બાર વર્ષના પુત્રએ માતાના ઠપકાથી લાગી આવતા જીવ દીધો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધ્રોલ તાલુકાના મોટા ગરેડિયા ગામે

ધ્રોલ તાલુકાના મોટા ગરેડીયા ગામે નાની બહેન સાથે ઝઘડો કરતાં ૧૨ વર્ષના પુત્રને માતાએ ઠપકો આપતા આ તરૂણે ઝેરી દાવ પી આપઘાત કરી લીધો છે. રમતા-રમતા ઝઘડો થતાં નાની બહેનને મૃતકે મારી લીધું હતું. જેથી માતાએ ટપારતા પુત્રએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર જિલ્લાભરમાં ચકચારી બનેલા બનાવની પ્રાપ્તવિગતો અનુસાર ધ્રોલ તાલુકા મથકથી પાંચ કિમી દૂર આવેલા મોટા ગરેડીયા ગામે શુક્રવારે સવારે શાંતિલાલ વાલજીભાઇ સોરઠીયાનો ૧૨ વર્ષનો પુત્ર કુલદીપ અને પાંચ વર્ષની પુત્રી ધન્વનતરી સાથે રમતાં હતાં ત્યારે બન્ને વચ્ચે કજીયો થયો હતો.

જેમાં કુલદીપે બહેનને મારી લેતાં તેના માતાએ તેને ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી લાગી આવતાં કુલદીપે ઘરમાં જઇ દરવાજો બંધ કરી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવના પગલે કુલદીપને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા શાંતિલાલે જાણ કરતાં ધ્રોલ પોલીસે હોસ્પિટલ દોડી જઇ મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માતાના ઠપકાથી માસુમ પુત્રએ ભરેલા પગલાના પગલે પટેલ દંપતિએ એકનો એક પુત્ર ગુમાવતા નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.