FM રેડિયો કેન્દ્ર માટે તરસતો યુવા વર્ગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભાવનગર આમ તો કલા અને સંસ્કૃતિનું પિયરધામ ગણાય છે. આમ છતાં ભાવનગરને આકાશવાણી રેડિયોથી માંડી એફ.એમ. રેડિયોની સુવિધા મળી નથી. હાલ તો ભાવનગર શહેરમાં ઘરે-ઘરે બબ્બે, ત્રણ-ત્રણ મોબાઈલ આવી ગયા છે. ત્યારે ભાવનગરને એક એફ.એમ. રેડિયો મથક ફાળવવામાં આવે તો પણ કલાનગરીના કલારસિકોના હૈયે ટાઢક વળે.

એફ.એમ. રેડિયોમાં જોકી તરીકે યુવા વર્ગને રોજગારી મળી શકે છે. ઉપરાંત ૨૪ કલાકના એફ.એમ. રેડિયોમાં ગીત-સંગીત ઉપરાંત જે-તે શહેરમાં સ્ટેશન હોય તે શહેરની મજેદાર ખબર, ઈતિહાસ, લાઈફ સ્ટાઈલ, ફેશન વિ. પણ એફ.એમ. રેડિયોથી હાઈલાઈટ થતા હોય છે.

આજથી ૨૯ વર્ષ પહેલાં તત્કાલિન મેયર રમણીકભાઈ પંડયાએ ભાવનગરને આકાશવાણીનું કેન્દ્ર મળે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી અને બાદમાં પણ દર વર્ષે શહેરના કલાપ્રેમીઓએ આ માંગને પુન: રજૂ કરી છતાં આજ દિન સુધી ભાવનગરને આકાશવાણી રેડિયો મથક મળ્યું નથી તો એફ.એમ. રેડિયોના અમદાવાદ જેવા શહેરમાં તો પાંચ-છ કેન્દ્ર છે ત્યારે કલાકારોના પિયરધામ સમા અને કલાનગરી ગણાતા ભાવનગરને સમ ખાવા પૂરતુ એક એફ.એમ. કેન્દ્ર પણ ફાળવાતું નથી.

ઘોઘા સર્કલ ટીવી રીલે કેન્દ્ર ખાતે સ્ટેશન ઉભુ કરી શકાય

મેં ભાવનગર શહેરમાં એફએક રેડિયો સ્ટેશન શરુ કરવા માટે સૌ પ્રથમ વખત ઇ.સ.૧૯૮૨-૧૯૮૩માં રજૂઆત કરેલી ત્યાર બાદ પણ વારંવાર રજૂઆત કરી છે. આ ઉપરાંત છેલ્લે ત્રણેક વર્ષ પૂર્વે કેન્દ્ર સરકાર સમક્ષ ભાવનગરમાં એફએમ રેડિયો માટે સ્ટેશન શરુ કરવું હોય તો ઘોઘા સર્કલ ટીવી રીલે કેન્દ્ર ખાતેની જગ્યામાં ટાવર અને ઓપરેટિંગ ઓફિસ માટે પર્યાપ્ત જગ્યા છે. માટે જમીન સંપાદનનો કોઇ પ્રશ્ન જ નથી. - રમણીક-પંડ્યા, પૂર્વ મેયર, ભાવનગર