ભાવનગરમાં સંકલનનો અભાવ: ફેરી સર્વિસ ક્યારે? તંત્ર જાગે ત્યારે !!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદીના ગુજરાત છોડ્યા બાદ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટનું કામ કાચબા ગતિએ
15 માસમાં પ્રોજેક્ટ શરૂ કરવાની વાત હતી, 35 માસ થયા છતા હજુ પણ 42 ટકા કામ થયું છે
ભાવનગર: નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની સક્રિય રાજનીતિથી અળગા થતાની સાથે જ તેઓનો સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ મુર્છાવસ્થામાં ગરકાવ થઇ ગયો છે. તત્કાલીન મુખ્યમંત્રીએ પ્રોજેક્ટનું ઘોઘા ખાતે ખાતમુર્હુત કર્યાના 35 મહિના બાદ પણ કુલ કામગીરીના 45 ટકા કામ જ સંપન્ન થઇ શક્યુ છે અને છેલ્લા એક વર્ષથી રાજ્ય સરકાર અને પ્રોજેક્ટના મુખ્ય કોન્ટ્રાક્ટર વચ્ચે આર્થિક ચુકવણીના મુદ્દે સર્જાઇ રહેલા ગજગ્રાહથી કામગીરી ઠપ્પ છે.
કુલ 2.50 લાખ ટન રોક બંડના કામ પૈકી હજુ 1 લાખ ટનનું કામ બાકી છે. ઇન્ટરનલ રોડ, ડ્રેનેજ, માર્શલિંગ યાર્ડ, આરસીસી પાર્કિંગ, બાઉન્ડ્રી વોલ, વોટર સપ્લાય, સ્ટોરેજ, માઇનર બિલ્ડિંગ, મેઇન ટર્મિનલ બિલ્ડિંગ, કવર્ડ પાથ-વે, વેઇટિંગ એરીયા, વર્કશોપ બિલ્ડિંગ સહિતના કામ હજુ બાલ્યાવસ્થામાં જ છે. ઉપરાંત બંને તરફ કેપિટલ ડ્રેજીંગ, રો-રો શિપ માટે જાહેરાતો આપ્યા છતા કોઇ પાર્ટી દ્વારા રસ દાખવવામાં આવતો નથી.
પ્રોજેક્ટ અંગે એ બધુ જેમ તમે જાણવા ઇચ્છો છો
એસ્સાર પ્રોજેક્ટને 223 કરોડમાં વર્ક ઓર્ડર 26.11.2011ના રોજ અપાયો
તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ 25.01.2012ના રોજ ઘોઘા ખાતે ખાતમુર્હુત કર્યુ, પ્રોજેક્ટ 15 માસમાં શરૂ કરવાની ઘોષણા કરી
ઓગસ્ટ 2012માં પ્રોજેક્ટની કામગીરીનો ઘોઘા અને દહેજમાં આરંભ થયો. બંને તરફના પોન્ટૂન ઘોઘામાં અને લિન્ક સ્પાન દહેજમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.
દહેજમાં કુલ કામગીરીના 23 ટકાજ કામ છે, અને લિન્કસ્પાન અને પોન્ટૂન સિવાયની કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે ઘોઘામાં માત્ર 45 ટકા કામગીરી જ થઇ શકી છે અને મહત્વની ગણાતા તમામ સિવિલ કામ હજુ પણ કરવાના બાકી જ છે.
કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરાઇ
ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટ સાૈથી મોટો સરકારી પ્રોજેક્ટ છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયત સમયથી મોડી કામગીરી કરાઇ રહી હોવાથી આર્થિક પેનલ્ટી કરાઇ છે.
> બી.ડી.તલાવીયા, ચીફ એન્જીનિયર, ગુજરાત મેિરટાઇમ બોર્ડ, ગાંધીનગર
હવે પછી શું ?
હવે પછી પણ કોન્ટ્રાક્ટર દ્વારા સંપૂર્ણપણે ગતિથી કામ કરે તો પણ પ્રોજેક્ટને પૂર્ણ થતા 1 વર્ષનો સમયગાળો ઓછામાં ઓછો થઇ શકે તેમ છે.