ઉમરાળા પંથકમાં અડધી કલાકમાં એક ઇંચ વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - શહેરમાં પડેલા વરસાદીની તસવીર)
-વલ્લભીપુર અને સિહોરમાં પણ અડધો ઇંચ વરસાદ : માવઠાથી ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ વાગ્યા જેવી : ખેડૂતો ચિંતિત
-
કમોસમી વરસાદ| વાતાવરણ એકા-એક પલટાતાં બોટાદ અને ગઢડામાં માવઠું વરસ્યુ

ભાવનગર : સૌરાષ્ટ્રમાં ભર શિયાળે ચોમાસુ માહોલ છવાઇ ગયો છે અને આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં હવામાનમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે અડધા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો જ્યારે વલ્લભીપુરમાં પણ અડધો ઇંચ વરસાદ ખાબકી જતા આ માવઠાના કારણે ગરમીમાંથી તો પ્રજાને રાહત મળી છે પણ ધરતીપુત્રોની આ માવઠાના કારણે હાલત પડ્યા પર પાટા સમાન થઇ ગઇ છે.

છેલ્લા કેટલાક વખતથી સખત ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ઉમરાળા પંથકમાં આજે બપોરના ત્રણેક વાગ્યે ગાજવીજ તથા કડાકા ભડાકા સાથે વરસાદી વાદળો ચડી આવ્યા હતા અને મેઘસવારી વરસતા માત્ર અડધો કલાકમાં જ એકાદ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ઉમરાળા પંથકમાં બે દિવસના વાદળછાયા વાતાવરણ બાદ બપોરના સમયે ચોમાસુ માહોલ છવાયો હતો અને માત્ર અડધો કલાકના સમયગાળામાં જ 23 મી.મી. વરસાદ ખાબકી ગયો હતો. આજના માવઠાથી ખેડૂતોના વિણ્યાવગરના કપાસ તેમજ ખેતરમાં પડેલી જુવારની કડબ પલળી જતા વ્યાપક નુકશાન થયું છે. ચાલુ વર્ષે કપાસના ઓછા ભાવથી ચિંતિત ખેડૂતોને આ માવઠાથી પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો છે.

આજે વલ્લભીપુરમાં પણ માવઠું વરસી ગયુ઼ હતુ અને વાતાવરણમાં પલટા બાદ અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. ભારે બફારા બાદ વલ્લભીપુરમાં 15 મી.મી. વરસાદ વરસી ગયો હતો જેથી ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો.છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સિહોર તાલુકાના બુઢણા, ટાણા, લવરડા સહિતના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ માવઠાના કારણે કપાસ અને ડુંગળીના પાકને વ્યાપક નુકશાન થયું છે. જેથી ધરતીપુત્રોને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વખત આવ્યો છે. ખાસ તો બુઢણામાં વરસાદથી કપાસ, ઘાસચારો, ડુંગળી વિ.ને વ્યાપક નુકશાન થયું છે. પશુઓ માટે જે કડબ રાખી હતી તે પણ આ વરસાદના લીધે બગડી જતા ખેડૂતોને નુકશાનનો વખત આવ્યો છે.આજે ગઢડા શહેર તથા આસપાસના કેટલાક ગામડાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ હળવાથી ભારે ઝાપટા વરસી ગયા હતા. આજના માવઠાથી કપાસ સહિતના પાકને પારાવાર નુકશાન થયું છે. બોટાદમાં પણ બે દિવસથી માવઠું વરસી રહ્યું છે. આ કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન વેઠવું પડી રહ્યું છે. આજે પણ બોટાદમાં વરસાદ વરસ્યો હતો અને પાણી વહેતા થઇ ગયા હતા. આજના વરસાદથી મુખ્ય માર્ગો પર અષાઢી માહોલ છવાઇ ગયો હતો અને બોટાદમાં ચોમાસનો મધ્ય હોય તેવું વાતાવરણ બે દિવસથી જામ્યું છે.

વલભીપુરમાં વીજળી પડી

વલ્લભીપુર શહેરની દેવીપૂજક પરીણિત મહિલા ચંપાબહેન મેરાભાઇ વાઘેલા(રે.જૂના પેટ્રોલ પંપ પાસે, વલ્લભીપુર) આજે ઘેલો નદીમાં આવેલા બંધના કાંઠે કપડા ધોવા ગયેલા ત્યારે આ કમોસમી વરસાદ વરસવો શરૂ થયો અને મહિલા ઉપર વીજળી પડતા પ્રથમ સારવાર માટે વલ્લભીપુર રેફરલ હોસ્પિટલ ખાતે અને ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.