નાગેશ્રી નજીક નાળુ બેસી જતા ઉના-ભાવનગર હાઇવે ઠપ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-નાળુ નબળુ હોવા છતાં ધ્યાન ન અપાયુ : 25 કીમી દુરથી વાહન વ્યવહાર પુન: શરૂ કરાયો
-
બેદરકારી | કાગવદર નજીક વાહન વ્યવહાર બંધ થયો

રાજુલા: ઉના-ભાવનગર કોસ્ટલ હાઇવે પર નાગેશ્રી નજીક કાગવદર ગામ પાસે એક નાળુ તુટી જતા અહિંનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. થોડા વરસાદમાં નબળુ નાળુ ધરાશાયી થઇ ગયુ હતું. જેના કારણે અહિં વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. અહિં તાબડતોબ નાળુ રીપેર થાય તેમ ન હોય અને ભારે વાહન માટે ડાયવર્ઝન પણ નિકળે તેમ ન હોય ૨પ કીમી દુર વાયા ખાંભા થઇ વાહન વ્યવહાર શરૂ થયો હતો.

ભાવનગરથી ઉના-પોરબંદર થઇ છેક દ્વારકા સુધી જતો કોસ્ટલ હાઇવે પૈકી મહુવાથી ઉના સુધીનો માર્ગ કાયમ માટે માથાના દુ:ખાવારૂપ બન્યો છે. ભયંકર ભ્રષ્ટાચારના કારણે આ રસ્તો વારંવાર તુટી જાય છે. દરેક વખતે નબળુ કામ થાય છે. રસ્તો તો ઠીક પુલ અને નાળા પણ નબળા બનાવાયા છે. અહિંના રાજકીય આગેવાનોએ આ રસ્તાને આવકનું સાધન બનાવી દીધુ છે. જેના કારણે આજે આ રસ્તો સદંતર બંધ થવાની નોબત આવી હતી.

જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક આજે આ કોસ્ટલ હાઇવે પરનું એક નાળુ અચાનક જ ધરાશાયી થઇ ગયુ હતું. કાગવદર નજીક આ નાળા પર તે સમયે કોઇ વાહન ન હોય સદનશીબે કોઇ ઘાયલ થયુ ન હતું. પરંતુ નાળુ તુટી જતા બન્ને તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. અહિં વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઇ હતી.

નાના વાહનો માટે ડાયવર્ઝન શરૂ કરાયુ
અહિં કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યા બાદ બાજુમાંથી નાના વાહનો માટે રસ્તો શરૂ થયો હતો. જો કે આ ડાયવર્ઝન પણ ભારે ઉબડ ખાબડ છે અને ગમે ત્યારે બંધ થઇ જાય તેમ છે. હાલના તબક્કે અહિં મોટા વાહનો ચાલી શકે તેમ નથી.

તંત્ર દ્વારા કોઇ ધ્યાન ન અપાયુ
અહિં વહેલી સવારથી રસ્તો બંધ થયો હોવા છતાં તંત્ર દ્વારા સમયસર અહિં પહોંચી ડાયવર્ઝન માટે પ્રયાસ કરાયો ન હતો. એક માસ પહેલા આ અંગે અખબારી અહેવાલો પણ આવ્યા હતાં છતાં તંત્રએ ધ્યાન આપ્યુ ન હતું.