કમાણીનો દશમો ભાગ સદ્દપ્રવૃત્તિમાં વાપરવો, પૂ.મોરારિબાપુની અપીલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગંગાસતિના આશ્રમ ખાતે આયોજિત રામકથામાં ઉમટતો માનવ મહેરામણ
સમઢીયાળા ખાતે ગંગાસતિના આશ્રમમાં ચાલતી પુ.મોરારીબાપુની માનસ ગંગાસતિ રામકથાના આજે પાંચમાં દિવસે આ ભજનની ભૂમિની મહાન ભકત ત્રિપુટી પુ.કસળસંગબાપુ, ગંગાસતિ અને પાનબાઇના ચરિત્રના એક એક પાના ઉથલાવીને આ પાત્રોને રામચરિત માનસ, ભાગવતગીતા અને મહાભારતના પ્રસંગો અને પાત્રો સાથે મુલવીને પુ.મોરારીબાપુએ શ્રોતાઓને ભિંજવી દીધા હતા. ગોહિ‌લવાડ ઉપરાંત દુરસુદુરથી ઉમટી પડેલા માનવ મહેરામણ તરફ નિર્દેશ કરીને પુ.બાપુએ કહ્યુ કે આ કસળસંગનો કુંભ છે. મા ગંગાસતિ ગંગા છે. અને પાનબાઇ તેના તર્થિધામ છે.
કસળસંગબાપુ, ગંગાસતિ અને પાનબાઇની ચેતનાની આ દેહાંતી ભૂમિ ઉપર કથા કરવાની પ્રસન્નતા વ્યકત કરી પુ.બાપુએ જણાવ્યુ કે જે ગણતરી ન કરે તે ગામડાનો માણસ. ગામડાઓમાં હજુ થોડી ઘણી સંવેદના સચવાણી છે. પણ આ કથા શ્રવણ કર્યા પછી વ્યસન છોડવા, અંધશ્રદ્ધા વહેમ અને ચમત્કારથી બચવા, વેરભાવ છોડવા તથા આભડછેટ છોડવા અપીલ કરી હતી.
વલભીપુર પંથકના એક ધાર્મિ‌ક કાર્યક્રમમાં કસળસંગબાપુને નિમંત્રણ નહોતુ અપાયુ પરંતુ આખુ જગત અમારૂ ઘર છે તેથી ઘરે આમંત્રણની શી જરૂર ? એવુ કહીને કસળસંગબાપુ ત્યાં ગયા ત્યારે ત્યાંના સિદ્ધ પુરૂષે રોકાવી રાખેલા સંતોના સામૈયા કસળસંગબાપુના આગમન પછી જ કરવામાં આવ્યા તે પ્રસંગને સવિસ્તર વર્ણવીને જીવનમાં ચમત્કાર કરતા શ્રદ્ધાને વધુ દ્રઢ કરવાનુ કહેતા પ્રશ્ન કર્યો કે દરરોજ સુર્યનુ ઉગવુ, ફુલનુ ખીલવુ એવા દૈનિક ક્રમથી મોટો કયો ચમત્કાર છે.
આજના સમયકાળમાં મંદિરો શ્રદ્ધાના બદલે સ્પર્ધાના સ્થાન થવા લાગ્યા છે. મંદિર ન હોય તો બાંધજો, જુના હોય તો ર્જીણોદ્ધાર કરજો પણ નવા મંદિરો ઉભા કરવાનો અતિરેક ન કરતા એવુ વ્યાસપીઠ ઉપરથી જણાવ્યુ હતુ. તમામ લોકોએ પોતાની કમાણીનો દશમો ભાગ જુદો કાઢીને તે નાણા સદપ્રવૃતિમાં વાપરવા જોઇએ. જે ગરીબ માણસના છોકરા ભણી ન શકે તેમ હોય તેની ફી ભરજો. ગરીબની દીકરીના હાથ પીળા કરાવીને સાસરે વળાવજો. બિમાર દર્દીઓને મદદ કરજો એવી અપીલ કરી હતી.
પુ.બાપુએ કહ્યુ કે ગંગાસતિના એક ભજન ઉપર એક કથા થાય એમ છે. એટલે બાવન પદની બાવન કથા થાય એટલુ તત્વજ્ઞાન તેમના ભજનના પદોમાં પડેલુ છે. આપણુ આયુષ્ય વિજળીનો ચમકારો છે અને આપણુ શરીર મોતી છે. તેથી વિજળીના ચમકારા દરમ્યાન મોતીમાં ભજનરૂપી દોરો પરોવી લેવો જોઇએ. વાણી અને પાણીની તુલના કરતા બાપુએ કહ્યુ કે વાણી અને પાણી બંને અપાર છે. આજની કથામાં મોરારીબાપુએ સોગઠાબાજીનુ રૂપક વર્ણવ્યુ હતુ. ગાંધીજીએ આજના દિવસે ગાંધી આશ્રમથી દાંડી સુધીની દાંડીયાત્રાની કુચ કરેલી તેને વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાસુમન સમર્પિ‌ત કર્યા હતા.
- આજની રત્નકણિકાઓ
મારૂ કામ લોકોને સુધારવાનુ નહિ‌ સ્વીકારવાનુ છે.
રામકથા એ એક સામૂહિ‌ક સાધના છે.
વેર અને ખટપટ જગાવે એવા રાજકારણને ગામમાં લાવતા નહિ‌.
ર્કોટના વ્યાપ વધે તે સારૂ નહિ‌ વ્યાપ ઘટે તે સારૂ.
આંચકી લીધેલુ અમૃત કદાચ અમર કરી શકે પણ નર્ભિય ન કરી શકે.
જીવનમાં પહેલા સમતાને અને પછી મમતાને સ્થાન આપજો.
- રકતદાન કેમ્પ યોજાશે
સ્વામિ નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ, ટીંબી અને ગંગાસતિ આશ્રમના સંયુકત ઉપક્રમે તા.૧૩,૧૪ અને ૧પ માર્ચના રોજ સવારના ૮થી ૨ સુધી રકતદાન કેમ્પ યોજાશે જયારે રામકથાના સ્થળે મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ આનંદનગર ભાવનગર દ્વારા આયોજીત ફ્રી મેડીકલ ચેકઅપના ૩૮ કેસ (દવા સાથે), નેચરોપેથી ટ્રીટમેન્ટના પ૪ કેસ તેમજ રૂ.૩૦ના ટોકન દરે ચશ્મા વિતરણના ૧૬૮ કેસ આજે પ્રથમ દિવસે નોંધાયા છે. આ કેમ્પ આગામી બે દિવસ દરમ્યાન પણ ચાલુ રહેશે.