જીથરી હોસ્પિટલના કાનૂની જંગમાં ટ્રસ્ટીઓનો હાઇકોર્ટમાં વિજય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિએ ભાવનગર કોર્ટનો હૂકમ રદ કરી ૩૧મી મે સુધીમાં ફેંસલો કરવા આપેલો આદેશ

સમગ્ર ભાવનગર જિલ્લામાં ચર્ચિત થયેલા અમરગઢ હોસ્પિટલના ટ્રસ્ટીપદ માટેના કાનૂની જંગમાં હાઇકોર્ટમાં આજે નવા ટ્રસ્ટીઓનો વિજય થયો છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જી.બી.શાહે મનાઇ હૂકમની અરજીમાં ભાવનગર કોર્ટના આદેશને રદ કરી નવા ટ્રસ્ટીઓની નિમણુંકને યોગ્ય ગણાવી આ પ્રકરણમાં આગામી તા.૩૧ મે, ૨૦૧૩ સુધીમાં ભાવનગર કોર્ટને આ મામલે આદેશ કરવા ફરમાન કર્યું છે. આ હૂકમથી આ મામલે કાનૂની જંગમાં જૂના ટ્રસ્ટી અને વાઘોડીયા જૂથના મનસુખભાઇ શાહને જોરદાર ફટકો પડ્યો છે.

અમરગઢની વિશ્વવિખ્યાત કે.જે. મહેતા ટીબી હોસ્પિટલમાં રાજકોટના ચેરીટી કમિશનરે આ હોસ્પિટલમાં નવા ટ્રસ્ટી તરીકે કોમલભાઇ શર્મા, ડૉ.રમેશભાઇ વિરડીયા, રાજેશભાઇ મહેતા, વિપુલભાઇ શાહ, ઓમ ત્રિવેદી સહિતનાની નિમણુંક કરી હતી. આ નિમણુંક સામે આ હોસ્પિટલના જૂના ટ્રસ્ટી અને વાઘોડિયા ગ્રુપના મનસુખભાઇ શાહે ભાવનગરની કોર્ટમાં દાવો માંડયોહતો. ભાવનગર કોર્ટના ન્યાયમૂર્તિ એસ.આઇ.નગામિયાએ મામલે વાઘોડિયા જૂથના જૂના ટ્રસ્ટીઓની માંગણીને ગ્રાહ્ય રાખી આ નિયુક્તિ સામે સ્ટે ફરમાવ્યો હતો.

આ મનાઇ હૂકમ સામે નવા ટ્રસ્ટીઓ કોમલભાઇ શર્મા સહિતનાએ ગુજરાત હાઇકોર્ટમાં જઇ ભાવનગર કોર્ટના સ્ટેના હૂકમને પડકાર્યો હતો. આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં શરુ થયો અને અદાલતે ચાર દિવસ સુધી બન્ને પક્ષોની દલીલોને સાંભળી હતી. બાદમાં આજે હૂકમ કરતા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જી.બી.શાહે રાજકોટના ચેરિટી કમિશનર દ્વારા આ હોસ્પિટલમાં નવા ટ્રસ્ટીઓની કરાયેલી નિમણુંકને યોગ્ય ઠરાવી આ હૂકમ સામેના ભાવનગર કોર્ટ દ્વારા અપાયેલા મનાઇ હૂકમને ફગાવી દીધો હતો.

તેમજ નવા ટ્રસ્ટીઓને ટ્રસ્ટનો વહીવટ સંભાળવાની મંજૂરી આપી હતી. હવે આ મામલે મનાઇ હૂકમની અરજીનો નિર્ણય ગુણદોષ ઉપર તા.૩૧ મે, ૨૦૧૩ સુધીમાં ભાવનગર કોર્ટને પણ કરવા આદેશ કર્યો છે. આ હાઇકોર્ટના કાનૂની જંગમાં નવા ટ્રસ્ટીઓનો વિજય થયો છે.

- રાજકોટ કચેરીમાંથી રેકર્ડ મંગાવાશે

આજે નવા ટ્રસ્ટીઓ વતી ધારાશાસ્ત્રીઓએ ભાવનગર અદાલતમાં રાજકોટ જોઇન્ટચેરિટી કમિશનરની કચેરીમાંથી રેકર્ડ મંગાવવા અરજી આપતા કોર્ટે તે રેકર્ડ રાજકોટ જોઇન્ટ ચેરિટી કમિશનરની કચેરીમાંથી તાત્કાલીક મંગાવવાનો હૂકમ કર્યો છે અને તા.૧૬મી મેના રોજ મુદ્દત રાખી છે.

- નવા ટ્રસ્ટીઓ દ્વારા કેવિએટ દાખલ કરવા તજવીજ

ગુજરાતની વડી અદાલતના નવા ટ્રસ્ટીઓના લાભમાં આવેલા હૂકમના અનુસંધાને મનસુખભાઇ શાહ વિ. સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરે તો નવા ટ્રસ્ટીઓને આ મામલે સાંભળવા સંબંધે કેવિએટ દાખલ કરવાની તજવીજ પણ અનવા ટ્રસ્ટીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.