• Gujarati News
  • Today's Forecast Of Rain Will Be From The Direction Of The Wind!

આજે અખાત્રીજે પવનની દિશાથી ચોમાસાનો વરતારો નક્કી થશે!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અખાત્રીજના દિવસે ઉત્તર તરફનો પવન શ્રેષ્ઠ વરસાદ, પ‌શ્ચિ‌મી પવનથી વનરાજી ખીલી ઉઠે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાના વરસાદના વરતારા માટે અનેક પધ્ધતિઓ પ્રાચીનકાળથી પ્રચલિત છે. આ પદ્ધતિઓમાં આજ સુધી ખાસ કરીને ગામડાના ખેડૂત વર્ગમાં વિશ્વાસ બંધાઇ રહ્યો છે. તે પૈકી એક નો પવન છે. અખાત્રીજના પર્વે પવનની દિશા પરથી વરસાદ કેવો પડશે તેનો વરતારો થાય છે.

અખાત્રીજ અગાઉ હોળીની ઝાળ, ચૈત્રી દનૈયા જેવા વરતારાના દિવસો વિત્યા બાદ તા. ૧૩ મેને સોમવારે અખાત્રીજનું પર્વ છે. વહેલી સવારથી કઈ દિશામાં પવન છે તે નોંધ્યા બાદ આગામી ચોમાસામાં વર્ષાનો વરતારો થઈ શકે છે. ઉત્તર તરફ પવન હોય તો શ્રેષ્ઠ વરસાદ થાય, વાયવ્ય તરફથી પવન આવે તો પણ સારો વરસાદ વરસે તેવી વાયકા છે. પ‌શ્ચિ‌મ તરફથી પવન આવે તો વનરાજી ખિલે પરંતુ નૈઋત્ય (દક્ષિણ-પ‌શ્ચિ‌મ) તરફથી પવન આવે તો દુષ્કાળ પડે દક્ષિણનો પવન અનાજ માટે સારો નથી ગણાતો, પૂર્વનો પવન હોય તો અનાજ અને ઘાસનો અભાવ દેખાય તેમજ ઈશાનનો પવન હોય તો ઉંદર કે તીડ જેવા પ્રાણીઓ થકી પાકનો નાશ થાય છે. આ દિવસે સવારના ૬ કલાકથી સાંજના ૬ કલાક સુધી દર બે કલાકે કઇ દિશામાં પવન છે તેની નોંધ બાદ આગામી ચોમાસાના વરસાદનો વરતારો થઇ શકે છે તેમ ખગોળપ્રેમી પ્રા.સુભાષભાઇ મહેતાએ જણાવ્યુ છે.

અખાત્રીજના પર્વે સૂર્યાસ્ત સમયે જો વાદળા હોય તો સારો વરસાદ થાય પણ રોગ વધે, સૂર્યાસ્ત સમયે નૈઋત્યમાં વાદળા હોય તો જુવારનો મબલખ પાક થાય, વાયવ્યમાં વાદળા હોય તો બાજરાના ઢગલે-ઢગલા થાય અને પ‌શ્ચિ‌મ તરફ વાદળા દેખાય તો દરેક ધાન્ય મબલખ પાકે તેમ પણ જણાવ્યુ છે. પૂર્વ કે ઉત્તર દિશા નક્કી કરવા હાથની મુઠ્ઠીમાં જીણી ધૂળ લઇ ઇ અથવા તો અન્ય રીતે ફૂંકાતા પવનની દિશા નક્કી કરી શકાય છે.