જેને સાચવવો પડે એ પ્રેમ નથી એ તો ટાઈમપાસ છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રેમમાં આંધળાભીંત થાવ એ પહેલા સામેનું પાત્ર ટાઈમપાસ નથી કરતુને એ પણ ચકાસજો
કોઈ અપેક્ષા વગર, આરાધાર લાગણીનો ધોધમાર વરસાદ વરસાવે એ પ્રેમ


મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે મહાશક્તિ સામે બાયો ચડાવવાની હોય ત્યારે તમારી શક્તિ અને તમને ટેકો આપનારની શક્તિ તથા મતિ અંગે પૂર્વ ચકાસણી કરવી જોઈએ. એક યુવાને કહ્યું ‘મને સમજાતુ નથી કે હું જે છોકરીને પ્રેમ કરૂ છુ એ હકિકતમાં મને પ્રેમ કરે છે કે ટાઈમપાસ. મને મળે ત્યારે જાણે મારી વગર રહી નથી શકતી અને મારાથી દૂર જાય પછી લાખ પ્રયત્નો પછી પણ મારી દરકાર નથી કરતી. પ્રેમની ક્યારેય પરિક્ષા ન હોય. હું તો તેને પ્રેમ કરૂ જ છું પણ બીજા છોકરાઓ સાથેના તેના અફેર વિષે જાણુ છુ ત્યારે દુ:ખ થાય છે. શું મારો પ્રેમ ઓછો પડતો હશે ?’

પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી પણ તમારી અપેક્ષા વધારે પડતી છે. એ યુવતી તમને પ્રેમ કરે છે છતાં બીજા છોકરા સાથે બોલે છે એટલે તમને થયેલો માલીકીભાવ જાગૃત થાય છે પણ પ્રેમ કોઈનો મોહતાજ નથી અને જેને સાચવવા માટે પ્રયત્ન કરવો પડે એ પ્રેમ નથી માત્ર ટાઈમપાસ છે.

તમે પ્રેમમાં આંધળાભીત થઈ જાવ એ પહેલા સ્વસ્થ મને એકાદ વાર વિચારી જોજો કે સામેનું પાત્ર માત્ર તમારી સાથે ટાઈમપાસ તો નથી કરી રહ્યું ને ? પ્રેમ એ અરસપરસ લાગણીની અભિવ્યક્તિનું વિજ્ઞાન છે. કોઈ અપેક્ષા વગર, સમજણ અને વિશ્વાસના પાયા પર રચાયેલી આ ઈમારતમાં રેતી, ઈંટ, પથ્થરનું નહીં પણ અનરાધાર વરસાદ વરસતો હોય એવા ધોધમાર પ્રેમનું ચણતર થાય છે.

તમે જેને પ્રેમ કરો છો એને પ્રેમ કરતા જ રહો. ભલે એ તમારી સાથે ટાઈમપાસ કરે. પ્રેમનું અંતિમ લક્ષ્ય એ વ્યક્તિને હાંસલ કરવાનું ન હોય શકે. તમારો પ્રેમ એને સાચી દિશામાં ચોક્કસ લાવશે જ અને એવું થાય ત્યારે જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી...

બ્રેક ફાસ્ટ

છોકરો-છોકરી પ્રેમમાં પડે એટલે ઝગડો થાય જ.
આ ઝગડો થાય ત્યારે એ બે માંથી કોણ જીતે ?
વિચારો ને.... ?
.
.
.
અરે ભાઈ ગિફટ શોપવાળા જ જીતે ને !!
(પ્રેષક: તનુજા પટેલ (ભાવનગર)