- ઉતરવા-ચડવા બાબતે માથાકુટ થતા જમાદારને ગંભીર ઇજા પહોંચાડી
ભાવનગર એસટી સ્ટેન્ડ પર બસમાં ઉતરવા અને ચડવા મામલે વિદ્યાર્થીના ટોળા સાથે જમાદારને માથાકુટ થતા ટોળાએ જમાદાર સાથે હાથપાઇ કરીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તાબડતોબ સરટી હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા હતા. આ અંગે પોલીસે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. જ્યારે એક વિદ્યાર્થી નાશી છૂટયો હતો.
ઘટનાની જાણવા મળેલી વિગતો મુજબ એ ડીવીઝન પોલીસ મથકમાં જમાદાર તરીકે ફરજ બજાવતા વિરમદેવસિંહ જોરૂભા ચુડાસમા તેના સગા સંબંધી બહારગામથી આવતા હોય જેને બસસ્ટેન્ડમાં લેવા ગયા હતા. જયાં તેઓ બસના બારણે ઉભા હતા. તે સમયે તેના સંબંધી નીચે ઉતરતા હતા ત્યારે વિદ્યાર્થીઓના ટોળાએ ભીડ જમાવીને ઉપર ચડવા પ્રયાસો કર્યા હતા.
આથી જમાદાર વિરમદેવસિંહે ટપારતા વિદ્યાર્થીઓના ટોળાએ તેઓને ધકકે ચડાવીને મારામારી ઉપર આવી ગયા હતા. પરિણામે વિરમદેવસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થવા સાથે નાકના ભાગેથી લોહી નિકળવા લાગ્યુ હતુ. ઘટનાની જાણ થતા જ પીઆઇ વી.એન. રબારી સહીતના ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તુરંત સરટી હોસ્પિટલમાં તેઓને ખસેડીને સારવાર અપાઇ હતી. વધુમાં ત્રણ વિદ્યાર્થીઓને અટક કરીને પોલીસ મથકે પણ લવાયા હતા.
જોકે મારામારીમાં બંને પક્ષે સામાજીક સંબંધોથી જોડાયેલા હોવાનુ બહાર આવતા મામલો થાળે પડી ગયો હતો બાદમાં મોડી રાત્રે જવાહરનગર ભાયાણીની વાડીમાં રહેતા અને શામળદાસ કોલેજમાં અભ્યાસ કરતા ઇન્દ્રજીતસિંહ વાસુદેવસિંહ, યુવરાજસિંહ ભરતસિંહને ઝડપી લેવાયા છે. અને કુલદીપ નાસી ગયો હતો. ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે વધુ તપાસ એ ડીવીઝન પોલીસે હાથ ધરી છે.