લારી ગલ્લા હટાવો નહીં : સભાનું કોરસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરીબોની રોજીરોટી છીનવતા તંત્ર સામે શાસક - વિપક્ષનાં સભ્યો ઉકળી ઉઠયા

ચૂંટણી આચારસંહિ‌તા બાદથી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશને કારણે ચૂંટાયેલી પાંખ પણ હચમચી ગઇ હતી પરંતુ ચૂંટણીને કારણે ચુપકીદી સેવીને બેસેલા સભ્યો આજે મળેલી સાધારણ સભામાં સ્પ્રીંગની જેમ ઉછળતા દબાણ હટાવના મામલે શાસક - વિપક્ષ બન્નેએ અધિકારીઓ પર તડાપીટ બોલાવી હતી. જયારે આગામી દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવાનો કમિશનરે જણાવ્યું હતું. જ્યારે દબાણ હટાવવાના મામલે સભ્યો વચ્ચે મતમતાંતર પણ બહાર આવ્યા હતા.

મહાનગરપાલિકાની સાધારણ સભામાં રહીમભાઇ કુરેશીએ અમુક સ્થળોએ આંગણવાડીના વર્કઓર્ડર બાદ સ્થળ ફેરફાર કર્યાંની જાણ પણ કોન્ટ્રાકટરને નહી કરાતા રહીમભાઇ કુરેશીએ રોષ વ્યક્ત કર્યો હતો. જયારે ખુદ કમિશનર વી.પી.પટેલે પણ આંગણવાડી બનાવવા માટે જમીનના પ્રશ્નો ઉભા થતા હોવાનું જણાવ્યું હતું. જયારે અલ્પેશ પટેલે દબાણ હટાવની કામગીરીનો બે વર્ષનો હિ‌સાબ માગી આર્થિ‌ક રીતે નબળા લોકોની રોજીરોટી નહી છીનવી ટેમ્પરરી ઉભા રહે તે માટે ટોકનદરે ચાર્જ વસૂલવાની પોલીસી નક્કી કરવા જણાવ્યું હતુ.

તેમજ કાળીયાબીડમાં ડી.પી.રોડ પર બિલ્ડરો દ્વારા ઓફિસો ખડકી દે તેને તોડી પાડવા પણ માગણી કરી હતી. જેમાં પરેશભાઇ પંડયા, ભરતભાઇ બુધેલીયા, રહીમભાઇ કુરેશી, રાજેશભાઇ જોષી, મેહુલભાઇ વડોદરીયા સહિ‌તનાએ પણ દબાણ હટાવના બહાના તળે ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરવા કમિશ્નર તરફથી સૂચના આપવા માગણી કરી હતી અને અધિકારીઓ દ્વારા લેખિતમાં ફરિયાદના આગ્રહ રાખવા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
શાસક -વિપક્ષના દબાણ હટાવના પ્રશ્ને કમિશનર દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલીસીના આગામી દિવસોમાં અમલીકરણનું રટણ કરતા હતા અને અધિકારીઓની વર્તણૂંક બાબતે મેયર બાબુભાઇ સોલંકી પણ રોષમાં આવી જતા સભ્યો પ્રજાનાં પ્રતિનિધિ છે. જેથી તેઓના ફોન કે અન્ય રીતે રજૂઆતમાં વ્યક્તિગત ધ્યાન આપવા સૂચના આપી હતી.

ઇકબાલભાઇ આરબે એમ.જી.રોડ પર રવિવારે દુકાનો બંધ હોય ત્યારે થોડા સમય માટે ઉભા રહેતા લારીવાળાઓને બંધ કરાવવા વ્યક્તિગત અહમનું કારણ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે રવિવારે લારીવાળાને બંધ રખાવી વેપારીઓ દ્વારા દુકાનો ખોલી શોપ એકટનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવા ભરતભાઇ બુધેલીયાએ માગણી કરી હતી. અલ્પેશ પટેલ અને પરેશ પંડયાએ કાળીયાબીડમાં શિક્ષણ સંસ્થાએ ર્કોપોરેશનના રસ્તા પર કરેલું બાંધકામ હટાવવા અને તેમાં તંત્રની ઢીલી નીતિ સામે રોષ ઠાલવ્યો હતો. યશપાલસિંહ ગોહિ‌લે ભાવનગર - રાજકોટ રોડ પર તરબુચ અને કેરીવાળા ખુલ્લા પ્લોટમાં કરતા વ્યવસાયનો કોમર્શિ‌યલ ટેક્સ વસૂલવા અને શાળાઓ પાસે ખડકાયેલા દબાણો હટાવવા તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અધિકારી દ્વારા નગરસેવકોને પોલીસ કેસની ધમકી

અધિકારીઓ નગરસેવકોને ગાઠતા નહી હોવાનું જણાવી રાજેશભાઇ જોષીએ દબાણ હટાવ સેલના વડા દિપકભાઇ જાની સામે પોલીસ કેસની ધમકી આપ્યાનો આક્ષેપ કરતાં સૌ સ્તબ્ધ થઇ ગયા હતા. જયારે જયદિપસિંહ ગોહિ‌લે અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી કરતા કમિશનરે ગંભીર ફરિયાદ હોવાથી તપાસ કરી ચોક્કસ પગલા લેવા ખાત્રી આપી હતી.

અધિકારીઓ મેયરનો ફોન પણ ઉપાડતા નથી

દબાણ હટાવવામાં અધિકારીઓની બેદરકારી બાબતે પ્રવિણભાઇ માંડાણીએ તો શાસકોની નબળાઇના પન્ના ખોલી નાખ્યા તેના વિસ્તારમાં મોબાઇલ ટાવરના વિરોધની વાત કહી અધિકારીઓ મેયર તેમજ ચેરમેનના પણ ફોન ઉપાડતા નહી હોવાનું કહી લાલચોળ થઇ ગયા હતા.

ગર્વનિંગ કાઉન્સિલમાં મેમ્બર તરીકે બિનહરીફ

ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગર્વમેન્ટમાં ભાવનગરના પૂર્વ મેયર સુરેશભાઇ ધાંધલીયાની ગર્વનીંગ કાઉન્સીલમાં બિનહરીફ વરણી થતા આજે મ્યુ.સભામાં જાહેર કરાયું હતું. તેમજ જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં પ્રતિનિધિ તરીકે ડી.ડી.ગોહિ‌લની નિમણૂંક કરવામાં આવી હતી.