અલંગ યાર્ડમાં સેટેલાઇટ ફોન પ્રકરણે ચાર શિપને દંડ ફટકારાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-અલંગ યાર્ડમાં સેટેલાઇટ ફોન પ્રકરણે ચાર શિપને દંડ ફટકારાશે
-કેપ્ટનના નિવેદન નોંધાયા : શિપિંગ એજન્ટોના નંબર પર વાત કરવા છૂટ આપવા કરાતી માંગ
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા ૪ જહાજ દ્વારા પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવતા કોસ્ટગાર્ડના ગાંધીનગર સ્થિત હેડ ક્વાટર દ્વારા ભાવનગર કસ્ટમ્સને જહાજના કેપ્ટનો સામે નિવેદનો નોંધી અને નિયમ મુજબ દંડ ફટકારવાની કામગીરી કરવા જણાવવામાં આવતા તંત્ર દ્વારા કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા શિપ 'જી યાંગ’, 'ગલ્ફ ઓએસીસ’, 'વિક્ટરી’ અને 'પેસેફિક બેલે’ના કેપ્ટન દ્વારા પ્રતિબંધિત સેટેલાઇટ ફોન પર વાત કરવામાં આવતી હોવાનું પિપાવાવ કોસ્ટગાર્ડ અને ગાંધીનગર કોસ્ટગાર્ડના ધ્યાને આવતા ભાવનગર કસ્ટમ્સને જાણ કરવામાં આવી હતી.
ભાવનગર કસ્ટમ દ્વારા 'જી યાંગ’, 'ગલ્ફ ઓએસીસ’, અને 'વિક્ટરી’ ના કેપ્ટનના નિવેદન એન્કરેજ પોઇન્ટ પર જઇ અને નોંધવામાં આવ્યા હતા, જ્યારે 'પેસેફિક બેલે’નું શનિવારે બીચિંગ થયું હોવાથી સાઇન-ઓફની કામગીરી દરમિયાન કેપ્ટનનું નિવેદન લેવામાં આવ્યુ હતુ. કસ્ટમ્સ સૂત્રોના જણાવ્યા અનુસાર નિયમાનુસાર ચારેય શિપે નિયમોના કરેલા ભંગ બદલ આર્થિ‌ક દંડ ફટકારવામાં આવશે.
દરમિયાનમાં ભાવનગર સ્થિત શિપિંગ એજન્ટોના મત મુજબ અલંગમાં ભંગાવા માટે આવતા જહાજના ક્રુ મેમ્બરોને એજન્ટ સાથે દસ્તાવેજો, રેશન, ઇંધણ અને દૈનિક કામ અંગે શિપિંગ એજન્સી સાથે વાત કરવાનું માધ્યમ ફિક્સ સેટેલાઇટ ફોન હોય છે, તેથી એજન્ટોના અગાઉથી જાહેર કરેલા નંબર પર ફિક્સ સેટેલાઇટ ફોનથી વાત કરવા મંજૂરી આપવા પણ માંગ કરવામાં આવી છે.