તંત્રની લાપરવાહીથી સિહોરના ઐતિહાસિક સ્થાપત્યો નામશેષ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સુરકાના ડેલાની તંત્રના પાપે કથળી રહેલી હાલત
-તંત્રની લાપરવાહીથી સિહોરના ઐતિહાસિક સ્થાપત્યો નામશેષ થશે
-ઇતિહાસના પૃષ્ઠોમાં સિહોરનું પ્રાચીન નામ પણ સિંહપુર આલેખાયેલું છે
સિહોરમાં એવા કેટલાય ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે કે જે સિહોરના ભવ્ય અતીતને ઊજાગર કરે છે. એ સમયનો એક ઐતિહાસિક વારસો અને સિહોરની આન,બાન અને શાન સમાન સુરકા દરવાજાની તંત્રના પાપે હાલત કથળી રહી હોય લોકોમાં કચવાટ વ્યાપેલ છે.
ઇતિહાસના પૃષ્ઠોમાં સિહોરનું પ્રાચીન નામ પણ સિંહપુર આલેખાયેલું છે. સિહોરની ફરતે એક સમયે ગાઢ વનરાજી પણ હતી.અને એ સમયે રાની પશુઓ કે ચોર-લુંટારાઓ સામે રક્ષણ મેળવવા માટે તે સમયના રાજા-મહારાજાઓએ સિહોરને કિલ્લાઓથી સુરક્ષિત બનાવ્યું હતું. આજે ઘણા લોકોને કદાચ એ ખબર પણ નથી કે સિહોરમાં સુરકાનો દરવાજો કયાં આવેલો છે ? સમયની અનેક થપાટો ખાઇને આજે આ દરવાજો અત્યંત જર્જરીત હાલતમાં ઊભો છે.
એક સમયે સુરકા તરફ જવા માટેનો આ એક માત્ર માર્ગ હતો. આજે અહીંથી સુરકા અને ટાણા તરફ જવાનો રસ્તો છે. પરંતુ અહીંથી પસાર થનાર કોઇ વ્યકિતને આ દરવાજો જોઇને એવું ન લાગે કે એક જમાનામાં દરવાજો સિહોરનું રક્ષણ કરતો હશે આજે તો આ દરવાજાની હાલત લગભગ સાપ ગયાને લિસોટા રહ્યા જેવી જ થઇ ગઇ છે
સિહોરનો ઐતિહાસિક દરવાજો કે જે દિવસે-દિવસે લોકોના સ્મરણમાંથી વિસરાઇ રહયો છે તે અંગે તંત્રએ કોઇ નકકર પગલાં ભરવા જ રહ્યા.આજે અહીં દરવાજો તો માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બની રહયો છે. આ દરવાજાની અસલ રોનક પરત લાવવા માટે તંત્ર જરૂરી પગલા લેશે તો જ સિહોરના જાજરમાન ઇતિહાસની શોભા જળવાઇ રહેશે નહીંતર સિહોરના એક પછી ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યો નામ શેષ થતાં જતાં થશે અને ફકત ઇતિહાસના પૃષ્ઠો પૂરતા જ સીમિત રહી જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી