ભાવનગર: સમદ આરબની હત્યાનું કાવતરૂ ભાવનગર જેલમાં જ રચાયું હતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ભેદ ઉકેલાયો| બે માસ પૂર્વે શહેરમાં ખૂન થયું હતું
-મર્ડર કેસમાં મુખ્ય બે સહિત છ આરોપીઓ ઝડપાયા


ભાવનગર: શહેરમાં એકબીજા પર વર્ચસ્વ જમાવવા માટે ખૂન પર ખૂનની હારમાળા સર્જાવા પામી હતી. જેમાં બે વર્ષ પૂર્વે બાર્ટન લાયબ્રેરી સામે આવેલ ટ્રાવેર્લ્સ ઓફિસમાં સમાધાન માટે એકઠા થયેલા શખ્સો વચ્ચે માથાકૂટ થતા એક શખ્સની હત્યા થયેલ અને એકને ગંભીર ઇજા થવા પામેલઇ આ ઘટનામાં વધારે રસ દાખવનાર શખ્સની બે માસ પૂર્વે હત્યા થયેલ. જેના આરોપીઓને આજે પોલીસે ઝડપી લેતા આ આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બે વર્ષ પૂર્વે શહેરની બાર્ટન લાયબ્રેરી સામે આવેલા ઇન્ડિયા ટ્રાવેર્લ્સના સંચાલક અબ્દુલ કરીમભાઇ શેખના દીકરા ઉબેદુલ્લાહ શેખને વડવા, મતવાચોકમાં રહેતા આરબ ફિરોઝ આબેદભાઇ બાનફા સાથે માથાકુટ થતા તેઓને સમાધાન માટે ટ્રાવેર્લ્સની ઓફિસે બોલાવી તેની હત્યા કરેલ અને તેના નાનાભાઇ સાજીદને જીવલેણ ઇજાઓ કરેલ.

જયારે ઉબેદુલ્લાહને સજા થાય તે માટે ફરિયાદી પક્ષ તરફથી મૃતક ફિરોઝ આરબના ભાઇ સમદબીન આરબ ખુબ જ રસ લેતો હોવાની વાત ઉબેદુલ્લાહના માણસોને ખટકતી હતી. જેથી ગત તા.26/6/14ના રોજ રાત્રે અબ્દુલસમદ આરબ મતવાચોક પાસે મોબાઇલમાં કોઇની સાથે વાત કરતો હતો. તે વખતે તેના પર રિવોલ્વર વડે ધડાધડ ફાયરિંગ કરી હત્યા કરી બે શખ્સો નાસી છુટ્યા હતા.પોલીસે જુદી-જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરતા અબ્દુલસમદની હત્યા ઇન્ડિયા ટ્રાવેર્લ્સવાળાએ જ કરાવી હોવાની શંકા પ્રબળ બનેલ અને પોલીસને તપાસ દરમિયાન આ હત્યાનું કાવતરૂ જિલ્લા જેલમાં રચાયું હોવાનું જાણવા મળેલ.

આ ગુન્હામાં તપાસ દરમિયાન આજે વહેલી સવારે પોલીસને મળેલ બાતમીના આધારે આ ગુન્હામાં શંકાસ્પદ અલ્તાફ ઉર્ફે તલવાર વહાબભાઇ ખોખર તથા ચેતન ઉર્ફે સૂર્યા જયસુખભાઇ વાઘોરી મોટર સાયકલ ઉપર કાળીયાબીડ પાસેથી પસાર થતા તેઓની ધરપકડ કરેલ અને પોલીસની પૂછતાછમાં તેઓએ સમદની હત્યા કર્યાનું કબુલ્યું હતું.
આ ગુન્હાના કામે આરોપી ચેતન ઉર્ફે સૂર્યા જયસુખભાઇ વાઘોરી, અલ્તાફ ઉર્ફે તલવાર વહાબભાઇ સાલેભાઇ ખોખરની અટક કરેલ અને મુદ્દામાલ, બાઇક તથા પિસ્તોલ કબ્જે કરેલ છે. તેઓને મદદગારી કરનાર અસ્લમ રફિકભાઇ મન્સુરી, ઝુબેર મુનાફભાઇ ચૌહાણ, ભાવેશ ઉર્ફે ભાલુ હિરાલાલ નાનાલાલ જાની (લાઇનબોય), શમશેર ઉસ્માનભાઇ ચૌહાણની પણ પોલીસે ધરપકડ કરી હતી.

લાઇનબોયે પિસ્તોલ-મોબાઇલ પુરા પાડેલ
સમદની હત્યા તા.21/6/14નાં રોજ ઉબેદુલ્લાહની ભાવનગર, સેશન્સ કોર્ટમાં મુદ્દત હતી તે દિવસે જ કરવાનું નક્કી કરવામાં આવેલ. આ અંગે ચેતનને ભુંભલી ગામે ઉબેદુલ્લાહના ખાસ એવા લાઇનબોય ભાવેશ ઉર્ફે ભાવુભાઇ જાની - ભાવનગરવાળાએ જઇને પિસ્તોલમાંથી ફાયરિંગ કેમ કરવું અને પિસ્તોલ કેવી રીતે લોક કરવી વિગેરે ટ્રેનિંગ આપેલ હોવાનું આરોપીઓએ કબુલ્યું હતું. આ ઘટનામાં આરોપીઓને હથિયારો પણ ભાવેશ ઉર્ફે ભાવુભાઇ જાનીએ પુરા પાડેલ તેમજ મોબાઇલ પણ આપ્યાનું કબુલ્યું હતું અને મોબાઇલમાં માત્ર ઉબેદુલ્લાહ ને જ કોન્ટેક્ટ કરવા સુચના આપેલી. પરંતુ કોર્ટમાં પોલીસ જાપ્તો વધુ હોવાથી હત્યા સમયે તેની યોજનામાં નિષ્ફળ રહ્યાં હતા.

બળાત્કારના આરોપી સાથે પ્લાન ઘડાયો
સમદની હત્યાનું કાવતરૂ તેના ભાઇ ફિરોઝની હત્યામાં સંડોવાયેલ ઉબેદુલ્લાહે તેના ભાગીદાર વલી સાથે મળી ઘડેલ હોવાનું પોલીસને જાણવા મળેલ. જેલમાં રહેલ આરોપી ઉબેદુલ્લાહે જેલમાં બળાત્કારના ગુન્હામાં ગયેલ ચેતન ઉર્ફે સૂર્યા જયસુખભાઇ વાઘોરી (રહે.ભુંભલી) વાળા સાથે રહી ઘડેલ. ચેતને જેલમાંથી બહાર નિકળી ઉબેદુલ્લાહના ભાગીદાર વલીભાઇ જમાલભાઇ હાલારીનો સંપર્ક કરેલ અને ગત તા.26/6/14નાં 15 દિવસ પહેલા સમદની હત્યાની યોજના પાર પાડવા શહેરના પિંઝારાવાડમાં મસ્જિદ પાસે આવેલ સોફિયાબેનના મકાનમાં વલીભાઇ, અલ્તાફ ઉર્ફે તલવાર વહાબભાઇ ખોખર અને ચેતન તથા અસ્લમ મહંમદ રફિક મન્સુરી પિંઝારા અને ઝુબેર મુનાફભાઇઓએ મીટિંગ કરી હત્યાનો પ્લાન ઘડ્યો હોવાનું આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું.