ભાવનગર: ફેરી સર્વિસના ધીમા કામથી તંત્ર નારાજ, કામ પૂર્ણ કરવા તાકીદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( કામગીરી થઈ રહી છે એની તસવીર)
-ધીમા કામ અંગે કોન્ટ્રાક્ટર એસ્સારને નોટિસો અપાઇ ચૂકી છે : કામ પૂર્ણ કરવા તાકીદ

ભાવનગર : સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા બહુહેલક્ષી ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટના કામમાં થઇ રહેલા અક્ષમ્ય વિલંબ અંગે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)એ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર એસ્સારને કામને ગતિ પ્રદાન કરવા ટકોર કરી છે.જીએમબીના ઇતિહાસનો સૌથી મોટો પ્રોજેક્ટ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનો છે. ઘોઘા તરફ કુલ પ્રોજેક્ટની 72 ટકા કામગીરી થવાની છે. દહેજ તરફની કુલ કામગીરી પૈકી 80 ટકા કામ પૂર્ણ થવામાં છે, જ્યારે ઘોઘા તરફ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું હોવાથી એસ્સાર પ્રોજેક્ટને નોટિસો પણ પાઠવવામાં આવી છે.

જીએમબીના અધિકારીઓ દ્વારા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ અંગે નિયમીત રીપોર્ટ લેવામાં આવી રહ્યા છે અને તાજેતરમાં એસ્સાર પ્રોજેક્ટસને ફેરી સર્વિસના કામમાં ગતિ લાવવા માટે ટકોર કરવામાં આવી છે.એસ્સાર દ્વારા નાણા ભીડને કારણે સપ્લાયરો, પેટા કોન્ટરાક્ટરોને સમયે નાણા નહીં ચૂકવાતા હોવાથી પણ પ્રોજેક્ટના કામ પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. તમામ બાબતો પર પ્રકાશ પાડી અને એસ્સારને તાકીદ કરવામાં આવી છે.

આર્થિક પેનલ્ટીનું પ્રાવધાન છે જ
જીએમબીનો સૌથી મોટો પ્રોજેક્ટછે અને ખંભાતના અખાતના દરિયાઇ કરન્ટ વચ્ચે પ્રોજેક્ટની કામગીરી કરવાની હોવાથી થોડું કપરૂ કામ છે. હાલ એસ્સાર પ્રોજેક્ટની જે ધીમી કામગીરી થઇ રહી છે તેના અંગે કરારમાં આર્થિક પેનલ્ટીનું પ્રાવધાન રાખવામાં આવ્યું જ છે.
> બી.ડી.તલાવીયા, ચીફ એન્જીનિયર, GMB, ગાંધીનગર