ભાવનગરમાં બીજા દિવસે શ્રાવણમાં અષાઢી મેઘવર્ષા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાવનગર શહેરમાં દોઢ ઇંચ, ઘોઘામાં એક ઇંચ અને તળાજામાં હળવા ઝાપટા વરસ્યા
- જિલ્લાના અન્ય વિસ્તારમાં મેઘવિરામ


ગઇ કાલે ભાવનગર શહેરમાં માત્ર ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી ગયા બાદ આજે પણ બપોરના સમયે મેઘસવારી કાળા ડિબાંગ વાદળો સાથે આવી પહોંચી હતી અને દોઢેક ઇંચ વરસાદ વરસાવી દેતા શહેરીજનોને હવે મેઘરાજાને ખમૈયા કરવા પડે તેવી સ્થિતિનુ નિર્માણ ભાવનગર શહેરમાં થયુ છે. તો વરસાદની ખાધવાળા ઘોઘામાં પણ બે દિવસમાં સારો વરસાદ વરસ્યો છે આજે ઘોઘામાં એક ઇંચ વરસાદ વરસી ગયો છે. તો તળાજામાં હળવા ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં આજના વરસાદથી કુલ વરસાદ પ૭૧ મી.મી. થયો છે.

આજે સતત બીજા દિવસે ભાવનગર શહેરમાં બપોરના સમયે વાદળો ઘેરાયા હતા અને શ્રાવણ માસમાં સરવડાને બદલે અષાઢની અનરાધાર ધારા સાથે વરસવુ શરૂ કર્યું હતુ. આજે જો કે ગઇ કાલની તુલનામાં વરસાદનુ જોર ઘટયુ હતુ. પણ બપોરના ૩-૧પ થી ૩-૪પ સુધી તો સાંબેલાધારે વરસ્યો હતો. પછી ધીમી ધારે વરસાદ સાંજ સુધી શરૂ રહ્યો હતો. શહેરમાં સાંજ સુધીમાં ૩પ મી.મી. વરસાદ વરસી ગયો હતો. આજના વરસાદથી ટાઢોડું પ્રસરી વળ્યુ હતુ. શહેરમાં આજે ૩પ મી.મી. વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી વહેતા થઇ ગયા હતા.

રસતાઓ બે દિવસના ધોધમાર વરસાદથી ધોવાઇ ગયા છે જેથી વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઇ છે. નવા બનાવાયેલા માર્ગો પર આજે જ્યાં જુઓ ત્યાં પાણી ભરેલા ખાડા જ જોવા મળી રહ્યાં છે. શહેરની શાન સમા વાઘાવાડી રોડ પર તો વાહન ચલાવવુ એક પડકાર બની ગયો હોય તેવા ખાડા પડી ગયા છે. ભાવનગર જિલ્લામાં આજે વરસાદમાં થોડા પાછળ રહી ગયેલા ઘોઘામાં આજે સતત બીજા દિવસે મેઘમહેર વરસી હતી. આજે ઘોઘામાં ૨પ મી.મી. વરસાદ વરસી જતા સિઝનનો કુલ વરસાદ પ૩૧ મી.મી. થઇ ગયો છે. ઘોઘામાં સિઝનનો કુલ વરસાદ પ૯૮ મી.મી. છે એટલે સિઝનનો કુલ ૮૮.૮૦ ટકા થઇ ગયો છે.

તળાજા પંથકમાં આજે વધુ ૮ મી.મી. વરસાદ વરસી ગયો હતો. તળાજામાં સિઝનનો કુલ વરસાદ ૬૬૩ મી.મી. થયો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં આજે મેઘવિરામ રહ્યો હતો.સતત વરસાદ બાદ હવે ભાવનગર, ઘોઘા અને તળાજા તાલુકામાં મેઘરાજા ખમૈયા કરે તેવી લોકલાગણી છે.