તળાજામાં તત્વજ્ઞાનનું પ્રશ્નપત્ર થોડી મિનિટોમાં જ બહાર આવી ગયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માસ કોપીનો કિસ્સો હોવાની શિક્ષણ જગતમાં ચર્ચા
- ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં માસ કોપીના ખુલ્લા આક્ષેપ
ભાવનગર જિલ્લાના તળાજા ખાતે આજે બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં એક ચોંકાવનારી ફરિયાદ ડીઇઓ કચેરી સુધી પહોંચી હતી કે તળાજામાં તત્વજ્ઞાનનું પ્રશ્નપત્ર શરુ થયાના થોડા જ સમયમાં પરીક્ષા ખંડની બહાર આવી ગયું અને તેની ઝેરોક્સ નકલો તૈયાર કરી સંબંધિત પરીક્ષાર્થી‍ઓને પરીક્ષા ખંડમાં જવાબોનું સાહિ‌ત્ય પહોંચતું કરવામાં આવે છે. આ માસ કોપીના આક્ષેપથી ડીઇઓ કચેરી અને સમગ્ર શિક્ષણ આલમ હચમચી ગયું છે.
આજે બપોરે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાનનું પ્રશ્નપત્ર હતું આ પેપર શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ પરીક્ષા ખંડની બહાર આ પેપર પહોંચી ગયુ હતુ. બાદમાં તેની ઝેરોક્સ કોપી થઇ અને તેના પરથી જવાબો લખી સંબંધિતોને પરીક્ષા ખંડ સુધી પહોંચતા કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. જો કે આ અંગે આજે રાત સુધી કોઇ કેન્દ્રમાં ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ અંગે કર્મચારી, સુપરવાઇઝરો, શિક્ષકો અને સત્તાધિશોની મિલીભગત હોવાની ચર્ચા થઇ રહી છે. આજે કેટલાક જાગૃત વાલીઓએ આ મામલે ફરિયાદ કરવાની જાગૃતિ દાખવી હતી અને આખરે આ મામલો જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચતા આવતીકાલે આ પ્રશ્ને તપાસ ના ચક્રો ગતિમાન થશે તેમ પણ જાણવા મળ્યુ છે.
- ફરિયાદની તપાસ થશે
આ મામલે મને આજે સાંજે ફરિયાદ મળી છે. જે મુજબ તળાજામાં માસ કોપી કેસ થતા હોવાની બાબત છે. આ અત્યંત સંવેદનશીલ મામલો હોય આ અંગે આવતીકાલ તા.૧પ માર્ચને શનિવારે હું પોતે જ તળાજા જઇ જાત તપાસ કરવાનો છુ. એસ.એલ. ડોડીયા, જિલ્લા શિક્ષણાધિકારી