તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભગવાન જગન્નાથજીના કલાત્મક વાઘા તૈયાર કરવાનો ધમધમાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાઉન્ટ-ડાઉન: જરીકામવાળા વાઘા તૈયાર કરવામાં દોઢેક માસ જેવો સમય લાગે છે: દર વર્ષે નવા વાઘા પહેરી ભક્તોને દર્શન દે છે ભગવાન

આગામી તા.૧૦ જુલાઇના રોજ અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે ત્યારે અત્યારે ભગવાનના વાઘા તૈયાર કરવાની કામગીરી તેના અંતિમ ચરણમાં પહોંચી ગઇ છે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીના વાઘા તૈયાર કરવાનુ કાર્ય શરૂ છે.

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે રાજ્યમાં બીજા ક્રમની રથયાત્ર નિકળે છે. જેમાં ભક્તોમાં આકર્ષણનુ કેન્દ્ર તો ભગવાનના દર્શન કરવાનુ હોય છે. આ ભગવાન, ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીના વાઘાને તૈયાર કરવાનુ કામ અત્યંત ઝીણવટભર્યુ અને પડકારરુપ છે. આ કામ ભાવનગરમાં સીદસર રોડ પર રહેતા હરજીવનભાઇ દાણીધારરિયા છેલ્લાં ૨૭ વર્ષથી કરે છે. એક પણ પૈસો લીધા વગર ફક્ત પ્રભુ પ્રિત્યાર્થે કરે છે. આ કામગીરીમાં દોઢેક માસ જેવો લાંબો સમયગાળો લાગી જાય છે.

આ અંગે કારણ આપતા રથયાત્રા મહોત્સવ સમિતીના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલિયાએ જણાવ્યુ હતુ કે જરીકામ અને અન્ય ઝીણવણભરી કામગીરીના કારણે લાંબો સમય લાગે છે. વાઘામાં કલાત્મકતા અને જરીકામ આ બે વસ્તુ તો બેનમૂન હોય છે. રથયાત્રાનો આરંભ થયો ત્યારથી એક પણ વર્ષના વિરામ વગર હરજીવનભાઇ દાણીધારિયા આ સેવા પૂરી લગનથી આપે છે અને દર વર્ષે ત્રણેય મૂર્તિ‌ઓના વાઘાને અનોખી કલાત્મકતા બક્ષે છે.

તેઓ આ વાઘા ઉપરાંત શહેરના અન્ય મંદિરોમાં પણ ભગવાનના વાઘા બનાવવામાં નિષ્ણાત ગણાય છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના આ વાઘાને હરજીવનભાઇ ફાઇનલ ટચ આપવામાં છેલ્લાં આઠ દિવસ તો અવિરત પરિશ્રમ ઉઠાવે છે. આ વાઘાના શણગારમાં સજ્જ થઇ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી ભક્તોને દર્શન દેવા માટે પ્રસ્થાન કરે છે.

- આઇજીપીનું રથયાત્રા રૂટ નિરીક્ષણ

આગામી રથયાત્રા સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નીરીક્ષણ કરવા આવી પહોંચેલ જુનાગઢ રેન્જના આઇજીપી રાધાકૃષ્ણનએ આજે દિવાનપરા રોડ પરના રૂટ પર જઇ વ્હોરા સમાજના આગેવાનોને સાથે રાખી રથયાત્રા મામાકોઠા રોડથી હલુરીયા પહોંચે તે રૂટ અને નમાજના સમય અંગે ચર્ચા વિચારણા કરી હતી.