ભાવનગર કોંગ્રેસની લોકસભા બેઠક માટે પ્રવિણ રાઠોડ ઉમેદવાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાહુલ ગાંધીએ અપનાવેલા નવતર અભિગમ અંતર્ગત
- આગામી લોકસભા માટે ઇલેકશનથી બહુમતિ મતો મળતા ધારાસભ્ય પ્રણિભાઇ રાઠોડનું થયેલું સિલેકશન
આ વખતે ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે એક નવતર અભિગમ અપનાવી ઉમેદવાર નક્કી કરવા કોંગ્રેસે પક્ષમાં આંતરિક ઈલેકશનથી સિલેકશનની પદ્ધતિ અપનાવી અને તેમાં આજે મતદાન યોજાયું હતુ જેમાં કુલ મતોના પ૦ ટકાથી વધુ મતો મેળવી હાલના પાલિતાણાના ધારાસભ્ય પ્રવિણભાઇ રાઠોડનો વિજય થતા હવે ભાવનગર લોકસભાની બેઠક માટે તેઓ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે.
ઉમેદવારોમાં ત્રણ કોળી સમાજના અને એક ક્ષત્રિય સમાજના ઉમેદવાર હતા તેમાં સીધો જંગ પ્રવિણભાઇ રાઠોડ અને વચ્ચે થયો જેમાં પ્રવિણભાઇની જીત થઇ હતી. આ પરિણામથી હવે ભાજપ સક્રિય થયું છે. ભાવનગર ખાતે આજે સેતુ પાર્ટી પ્લોટ ખાતે સવારથી ચૂંટણીનો માહોલ જામ્યો હતો જેમાં સવારે ૯થી ૧૧ વાગ્યા સુધી ચારેય ઉમેદવારો પ્રવિણભાઇ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિ‌લ, જીવણભાઇ ડાભી અને જીતુભાઇ વાઘેલાનો પરિચય આપવામાં આવ્યો હતો. બાદમાં બપોરના ૧થી ૩ વાગ્યા સુધીમાં મતદાન યોજાયું હતુ. બપોરના ૩થી ૪ દરમિયાન મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
આ ચૂંટણી બાદ ભારે ઉત્તેજનાનો માહોલ પ્રસરી ગયો હતો આ પરિણામ પર ભાજપની પણ મીટ હતી. મતગણતરી બાદ પરિણામ જાહેર થતા કુલ પ૬૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ પોણા આઠસો જેટલા મતદારો હતા. પરિણામ જાહેર કરતા પ્રવિણભાઇ રાઠોડને ૩૦૩ મત મળ્યાં તો તેના હરીફ દિગ્વિજયસિંહ ગોહિ‌લને ૧૩૬ મત મળ્યાં જ્યારે અન્ય બે પ્રતિસ્પર્ધી જીવણભાઇ ડાભીને પ૪ અને જીતુભાઇ વાઘેલાને માત્ર ૧૭ મત મળ્યાં હતા.
આ મતગણતરીમાં એક વિશષ્ટિતા એ હતી કે ચાર પૈકીના કોઇ એક ઉમેદવારને પ૦ ટકાથી વધુ મત મળી જાય તો તો આગળ ગણતરી કરવી નહી અને પ૦ ટકાથી વધુ મત મળ્યાં હોય તેને વિજેતા જાહેર કરી દેવા. આજે પ્રવિણભાઇને ૩૦૩ મત થઇ જતા મત ગણતરી અટકાવી દેવામાં આવી હતી અને જીતેલા જાહેર કરી દેવામાં આવ્યાં હતા. આ પરિણામ બાદ હવે ભાવનગર લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રવિણભાઇ રાઠોડ પસંદ થઇ ગયા છે.
- એઆઇસીસીમાંથી સત્તાવાર જાહેરાત થશે
આમ તો પ્રવિણભાઇ રાઠોડ જ ભાવનગર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર છે જો કે આ અંગે આગામી દિવસોમાં એઆઇસીસીની કમિટિમાંથી સમગ્ર રાજ્યની સાથે ભાવનગરના પ્રવિણભાઇના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. રાજભાઈ મહેતા, કોંગ્રેસ નિરીક્ષક