ભાવનગર: વસ્તી, વિસ્તાર, વાહન વધ્યા પણ પાર્કિંગ નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સળગતી સમસ્યા | ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી વાહનો, રિક્ષા, ટેક્સીને પાર્ક કરવાની મુશ્કેલી
-9 હજાર રીક્ષા માટે પાર્કિગ સ્ટેન્ડ માત્ર 35 જ છે : 1980માં 55 થી 60 રિક્ષા સ્ટેન્ડ હતા : હાલમાં 60 સ્ટેન્ડ જરૂરી


ભાવનગર: શહેરમાં વસ્તી વધી, વિસ્તાર વધ્યા, વાહનો વધ્યા પરંતુ પાર્કિંગ સ્ટેન્ડ વધ્યા નથી જેથી ખાનગી ટુ-વ્હીલર, ફોર વ્હીલર વાહન ચાલકો ઉપરાંત રીક્ષા અને ટેક્સી ચાલકોને પોતાનું વાહન પાર્ક કરવાનો મોટો પ્રશ્ન છે. ભાવનગર શહેરે છેલ્લા એક દસકામાં વસ્તી, વિસ્તારની દ્રષ્ટીએ ઘણી પ્રગતિ કરી છે. વસ્તી અને વિસ્તાર વધતા વાહનોની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે. તેન સામે પાર્કિંગના સ્ટેન્ડ વધ્યા નથી તે હકીકત છે આથી ઠેરઠેર આ સમસ્યા વિકરાળ બની છે.


એક અંદાજ મુજબ માત્ર ભાવનગર શહેરમાં જ બજાજ, ટીવીએસ, પીઆગો, ખુશ્બુ, અતુલ જેવી કેવીનીની રીક્ષાઓ મળી 9000થી વધુ રીક્ષાઓ દોડી રહી છે. પરંતુ આ રીક્ષાચાલકોને પોતાનું વાહન પાર્ક કરવા માટે સ્ટેન્ડની ભારે અછત જોવા મળે છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ શહેરમાં અગાઉ માત્ર 1000થી 1500 રીક્ષા હતી તે વખતે રીક્ષાનાં 60 સ્ટેન્ડ હતી અને તે ધીમે ધીમે ઘટતાં ગયા છે. અને હાલ 35 જેટલા સ્ટેન્ડ માંડ વધ્યા છે. તેની સામે રીક્ષામાં 10 ગણો વધારો થયો છે.મુખ્યત્વે શહેરની મધ્યમાં આવેલા ગામ તળાવમાં 1980માં 10 રીક્ષા સ્ટેન્ડ હતાં જે ઘટીને 6 થયા અને બાદમાં 4 અને આજે માત્ર બે જ રહ્યા છે. જેમાં એક રૂપાલી ગેસ્ટ હાઉસ નીચે અને બીજુ હેવમોરનાં નાકે આવેલા છે. હાલ માત્ર ગામ તળાવમાં જ કમસેકમ 6 રીક્ષાસ્ટેન્ડ જરરી છે. જ્યારે શહેરભરમાં 60 જેટલા સ્ટેન્ડ હોવા જરૂરી છે.

અહીં પાર્કિંગની સમસ્યા છે...
શહેરની મુખ્ય શાકમાર્કેટ પાસે, ગામતળાવમાં, ઘોઘાગેટ ચોકમાં, હેવમોર ચોકમાં, મુખ્ય બજારમાં, પીરછલ્લા શેરીમાં, વોરાબજારમાં, શિવાજી સર્કલમાં, નિર્મળનગર અપ્સરા ટોકીઝ બાજુ હીરાબજારમાં, બોરતળાવ જતાં હીરા બજારમાં, દાણાપીઠ, સાકર બજાર, આંબાચોક, લોખંડબજાર, સહિતનાં વિસ્તારોમાં વાહન પાર્કિંગની મોટી સમસ્યા છે.

અહીં પાર્કિંગ આપી શકાય...
શહેરનાં હાઈકોર્ટ રોડ પર આવેલ આલ્ફ્રેડ હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડમાં, મહિલાબાગ ઘોઘાગેટ પાસે, બીઝનેસ સેન્ટરની બાજુમાં, ઝુલેલાલ મંદિરની પાછળનાં ભાગે, બોરતળાવ, સાંઈનાથ રેસ્ટોરન્ટની આગળનાં ભાગમાં જ્યાં ફેરિયા બેસે છે. શિવાજી સર્કલમાં શાક માર્કેટની બહાર જવા ફેરિયા બેસે છે. આવા સ્થળોએ દબાણ વિગેરે હટાવી પાર્કિંગ માટે વ્યવસ્થા ગોઠવી શકાય.

1980માં જે રિક્ષા સ્ટેન્ડ હતા તેમાંય ઘટાડો

શહેરમાં હાલ 9 હજારથી વધુ રીક્ષાઓ દોડે છે. 1980માં 1500 રીક્ષા હતી તે વખતે 60 રીક્ષા સ્ટેન્ડ હતા જ્યારે હાલમાં માત્ર 35 રીક્ષા સ્ટેન્ડ છે. વસ્તી, વિસ્તાર, વાહન વધ્યા તેની સામે સ્ટેન્ડ વધવાની બદલે ઘટ્યા છે. > ભાવનાબેન રાવળ, રીક્ષા એસોસીએશન પ્રમુખ

લોકજાગૃતિનો અભાવ...
ભાવનગર શહેરમાં અનેક એવા વિસ્તારો પણ છે જ્યાં પાર્કિંગ છે છતાં નિયમ મુજબ પાર્કિંગ કરાતા નથી. શાકમાર્કેટવાળા વેપારીઓ દુકાનની અંદર બેસવાના બદલે બહાર લારી ઉભી રાખી ચીજવસ્તુઓ વેચે છે. તેમજ કેટલાક શોપીંગ સેન્ટરોની અંદર પાર્કિંગ થતાં નથી
અને અવાવરૂ બની ગયા છે. લોકજાગૃતિનો અભાવ છે. > પી.કે. ગરચર, પીએસઆઈ ટ્રાફિક પોલીસ