સાયન્સની પરીક્ષામાં મહુવામાં ગેરરીતિનો એક અજીબ કિસ્સો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ગફલત| મહુવાની કે.જી. હાઇસ્કૂલમાં બનેલી ઘટના

ભાવનગર - મહુવા: શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર એક અને ત્રણની પરીક્ષામાં ગેરરીતિનો એક અજીબ કિસ્સો મહુવાની કે.જી.હાઇસ્કૂલ ખાતે નોંધાયો છે જેમાં સેમેસ્ટર એકમાં રસાયણ વિજ્ઞાનમાં એક વિદ્યાર્થી જે ગેરહાજર હતો તેના બદલે પરીક્ષામાં અન્ય કોઇ આવી શરૂઆતની દસેક મિનિટ પેપર આપી ચાલ્યો જો કે તેને લખવાની ઓએમઆર શીટ કે અન્ય કોઇ સાહિત્ય લઇ ગયો ન હોય સ્થળ સંચાલકને શાંતિ થઇ હતી પણ આ રીતે એકને બદલે બીજો કોઇ આવી પરીક્ષામાં બેસે અને લખી પણ જાય તે ગંભીર બાબત ગણાય.

આ અંગે મળેલી વિગત પ્રમાણે મહુવાની કે.જી.હાઇસ્કૂલના કેન્દ્ર ખાતે સેમેસ્ટર એકની પરીક્ષા લેવાનો આરંભ થયો અને તેમાં એક બ્લોકમાં એક વિદ્યાર્થી ગેરહાજર હતો અને તેના બદલે અન્ય કોઇ તેના નંબરે બેસી ગયું અને 10 મિનિટ જેટલો સમય વિતાવી પરીક્ષા કાર્ય આગળ ધપ્યું ત્યાં પરીક્ષા ખંડ છોડી ચાલ્યો ગયો. તેને સમગ્ર સંકુલની જવા કેમ દીધો કારણ કે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કોઇને બહાર જવા દેવામાં આવતા નથી. બીજી વાત, માન્યું કે સુપરવાઇઝરે વર્ગમાં આવ્યા કે તરત જ ખબર ન હોય કે આ વિદ્યાર્થી સાચો છે કે ખોટો, પરંતુ તેને ઓએમઆર શીટ આપે ત્યારે તો ફોટાવાળી રિસીપ્ટની ચકાસણી કરી જ હોય. ન કરી હોય તો તે નિયમાનુસાર કાર્યવાહી કરી ન ગણાય.

આ સમગ્ર ઘટના અંગે ડીઇઓ કચેરી દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આ કેન્દ્રમાં બહાર સીસીટીવી અને પરીક્ષા ખંડમાં ટેબલેટ હતા પરંતુ આ વિદ્યાર્થી કોણ હતો તે જાણી શકાયું નથી. આ અંગે સ્થળ સંચાલકે મહુવા પોલિસમાં અરજી પણ દાખલ કરી છે. અત્યારે તો
પરીક્ષા ખંડમાં મૂળ પરીક્ષાર્થીના બદલે કોણ હતું તે પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.
આ ઘટના અંગે મહુવામાં સ્થાનિક શાળા, પરીક્ષા વિભાગ, ડીઇઓ કચેરી અને ટેબ્લેટના ફૂટેજ માટે રાજય શિક્ષણ બોર્ડ વચ્ચે સંકલન થશે તો આ ઘટનામા સત્ય બહાર આવશે.

સીસી ટીવીની કૂટેજ કામ ન લાગ્યા
આ ઘટના અંગે પ્રાથમિક તબક્કાની તપાસમાં સીસી ટીવી કેમેરાના ફૂટેજ કામ લાગ્યા નથી અને તેમાં કોઇ ઝડપાયું નથી. વળી જે ખંડમાં તે વિદ્યાર્થી હતો ત્યાં ટેબલેટ ગોઠવાયું હતુ અને તેનું સંચાલન તો રાજ્ય કક્ષાએ શિક્ષણ બોર્ડ દ્વારા થાય છે તેમાં શું ચિત્રાંકન થયું તે હવે ખબર પડશે.

યુરિનલમાંથી ઠેકીને ગયો હોવાની આશંકા
આ જે કોઇ પેપર દેવા આવ્યો તે પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ બાદ પાંચ સાત ઓએમઆર જેમ તેમ કર, કુંડાળા કરી !! મારે બાથરૂમ જવું છે તેવું બહાનું કાઢી ગયો અને યુરિનલમાંથી ઠેકીને બહાર ચાલ્યો ગયો તેવી એક આશંકા છે.

કોઇ સાહિત્ય વર્ગની બહાર ગયું નથી

આ ઘટના અંગે તપાસ કરી તો જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થી તો ગેરહાજર જ હતો પણ તેના બદલે કોઇ અન્ય પરીક્ષા આપી ગયું પણ તે તેની ઓએમઆર શીટ કે અન્ય કોઇ પણ પરીક્ષાલક્ષી ચીજ લઇને ગયો નથી. આ રીતે ગેરરીતિ નથી પણ કોણ પરીક્ષા ખંડમાં આવી ગયું તે અંગે તપાસ કરી રહ્યાં છીએ. > કિન્નરીબહેન પંડયા, ઝોનલ અધિકારી