(તસવીર:એશિયાનીસૌથી મોટી ગેરકાયદેસર વસાહત કાળિયાબીડ)
- ચૂંટણી નજીક આવતા પુન: કાળિયાબીડની કાયદેસરતા ચર્ચામાં
- શૈક્ષણિક સંસ્થાઓને રૂપિયા 2 કરોડ ભેગા કરી પક્ષમાં જમા કરાવવાની તાકિદથી મચેલો દેકારો
ભાવનગર:ભાવનગરનું કાળિયાબીડ ગેરકાયદેસરતા માટે રાજ્યકક્ષા સુધી વિવાદોમાં સપડાયેલું છે. એશિયાની સૌથી મોટી ગેરકાયદેસર વસાહતને કાયદેસર કરવા લોક-તંત્ર પાંગળા પુરવાર થયા છે ત્યારે ચૂંટણી નજીક આવતા કાળિયાબીડને રેગ્યુલરાઈઝ કરવાન પુન:વાયદાનો દૌર શરૂ થયો છે. માત્ર વાયદા પુરતુ પણ સિમીત નહિ રહેતા હવે કાળિયાબીડને રેગ્યુલરાઈઝ કરવા ભાજપ પક્ષના નામે શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી લાખો રૂપિયાના ઉઘરાણા પણ શરૂ થઈ ગયા ની વ્યાપક ચર્ચાથી ઉહાપોહ મચી ગયો છે.
કાળિયાબીડની કાયદેસરતા જાણે માત્ર ચૂંટણીલક્ષી મુદ્દો બની ગયો હોય તેમ વર્ષોથી કાળિયાબીડને રેગ્યુલરાઈઝ કરવાનું ડિંડવાણું માત્ર કાળિયાબીડના રહિશોને ગાજર લટકાડવા જેવું જ બની રહ્યું છે. ગત વર્ષે પણ કાળિયાબીડ રેગ્યુલરાઈઝ કરવાની હિલચાલ તંત્રએ શરૂ કરી મિલ્કતોના ભાવમાં ઉછાળો લાવ્યા હતા. ત્યારબાદ ગોકળગાયની ગતિએ કામગીરી શરૂ કરી પરંતુ કોઈ નક્કર પરિણામ લાવ્યા નહી.કાળિયાબીડના રહિશોને હવે પ્રજાના પ્રતિનિધિઓ કે તંત્રવાહકો પર વિશ્વાસ જ નથી. આગામી માહનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા પુન: વચનોની લ્હાણી શરૂ થઈ છે.
રેગ્યુલરાઈઝના વચનો વચ્ચે ઉઘરાણા પણ શરૂ થયા છે. શહેરમાં સૌથી વધુ કાળિયાબીડ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. અને રેગ્યુલરાઈઝ નહી થવાને કારણે શૈક્ષણિક સંસ્થાઓને પણ ભારે મુશ્કેલી પડે છે તેમજ સંસ્થાની મિલ્કતો ગેરકાયદેસર હોવાને કારણે સતત ડર રહે છે. જેનો ફાયદો લઈ અમુક રાજકીય આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ભાજપ પક્ષના નામે ફંડની માંગણી કરી રહ્યા હોવાની ચર્ચા જાગી છે. ત્યારે આ ફંડ ખરેખર પક્ષમાં જમા થશે કે આગેવાનોના ખિસ્સામાં જશે ? તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે.
હા, અમારી પાસે પણ રૂપિયાની માંગણી કરી હતી
કાળિયાબીડની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના સંચાલકે નામ નહી આપવાની શરતે ભાજપના એક આગેવાને પક્ષમાં ફરજીયાતપણે ફંડ જમા કરાવવા માટે સાત આંકડામાં રૂપિયાની માંગણી કર્યાનું જણાવ્યું હતું. જોકે, તેઓએ રૂપિયાની હાલમાં વ્યવસ્થા નહિ હોવાને કારણે હજુ સુધી માંગણી પ્રમાણેની રકમ આપી નહિ હોવાનું ઉમેર્યું હતું.
પક્ષને ખબર નથી, લોકો સાવચેત રહે
કાળિયાબીડને રેગ્યુલરાઈઝ કરવાના મુદ્દામાં સરકારને પણ રસ છે. રાજ્ય સરકારના ટીપીઓ શર્મા સાથે પણ ગત એપ્રિલ માસમાં હકારાત્મક ચર્ચા થઈ છે. પરંતુ કોઈપણ પક્ષના નામે રૂપિયાની માગણી કરતું હોય તે બાબતની મને કોઈ જાણ નથી અને પક્ષને પણ ખબર નથી. જે બાબતે લોકો સાવચેત રહે તેમજ પક્ષના નામે ગેરમાર્ગે દોરાય નહિ. - પંકજસિંહ ગોહિલ, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, મ્યુ.
રૂા.2 કરોડ ભેગા કરવાનો ટાર્ગેટ
કાળિયાબીડને રેગ્યુલરાઈઝ કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી પક્ષના નામે માગણી શરૂ થઈ છે. અને તેનો બોજો વિદ્યાર્થીઓ પર જ આવશે. કાળિયાબીડમાં શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી પક્ષ માટે રૂા.2 કરોડનું ફંડ એકત્રિત કરવાનો ટાર્ગેટ હોવાનું પણ જાણવા મળ્યું છે.