સોસીયામાં ટ્રકે અડફેટે શ્રમિક યુવાનનું મોત, ઘટના સ્થળે તંગદિલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઘટના સ્થળે થોડો સમય તંગદિલી છવાઇ
- અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થતાં ઉશ્કેરાયેલા ટોળાએ કલીનરને માર માર્યો
સોસીયા શીપબ્રેકીંગ યાર્ડમાં ટ્રકે અડફેટે લેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત નિપજતા મામલો બીચકતા ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકના કલીનરને માર મારતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ તળાજાના સોસીયા શીપયાર્ડમાં આવેલ વિજય બંસલની માલિકીના પ્લોટ નં. ૧પ૮ના પ્લોટમાંથી મંગળવારે સવારે ૧૦-૩૦ના અરસામાં કુકડના રહિ‌શના ટ્રક નં.જીજે૧૧ એકસ ૯૭૧૧ના ચાલકે તેનો ટ્રક પુરપાટ ઝડપે બેફીકરાઇથી ચલાવતા ટ્રકના વ્હીલ તળે આવી જતા ઢસડાતા રંજનકુમાર પ્રદિપ ડાંગી (ઉ.વ.૨૨, રહે. મૂળ બારાબંગી ઠાના, રાજપુર પો.સતરા, ઝારખંડ) નું કરૂણ મોત નિપજયુ હતુ.

અકસ્માત સર્જી ટ્રકનો ચાલક નાસી ગયો હતો. ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકના કલીનર દિનેશ મોહન (ઉ.વ.૨૦, રહે. કુકડ) ને માર મારતા તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડાયો હતો. આ બનાવ અંગે સર ટી. હોસ્પિટલ પોલીસ ચોકીએ કેસકાગળો તૈયાર કરી અલંગ મરીન પોલીસને મોકલી આપ્યા છે. અકસ્માત બાદ તંગદીલી છવાતા અલંગના પીએસઆઇ રેણુકા તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મામલો કાબુમાં લીધો હતો. આ ઘટના અંગે સત્યેન્દ્રપ્રસાદ મહેન્દ્રપ્રસાદ ડાંગી (રહે. હાલ અલંગ શીપયાર્ડ) એ અલંગ મરીનમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ રેણુકાએ વધુ તપાસ હાથ ધરી છે.