તળાજાની હોસ્પિટલ ડોકટરો વિહોણી, ઉછીના ડોકટરથી ગબડાવાતુ ગાડુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તળાજામાં હમણા કોઇ બીમાર પડશો નહિ‌
- અપુરતા મેડિકલ સ્ટાફને કારણે સ્વાસ્થ્યની વિવિધ યોજનાઓને અસર : પ્રજાના પ્રતિનિધિઓને તંત્ર ગણકારતુ નથી
તળાજા શહેર અને તાલુકાના અસંખ્ય ગરીબ તથા મધ્યમ વર્ગીય લોકોના આશિર્વાદ સમાન સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રની કથળી ગયેલ આરોગ્ય સેવા અંગે અનેક વખત રજુઆતો, આંદોલનો, ફીટકારની લાગણી દર્શાવ્યા છતાં તળાજા શહેર અને તાલુકાના ૧૧પથી વધુ ગામોની પ્રજા માટે ભારે અગત્યની સંસ્થા પ્રત્યે આરોગ્ય તંત્રને કોઇપણ જાતની ગંભીરતા ન હોવાથી ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓની પરેશાની દુર થતી નથી.
તાજેતરમાં વારંવાર કડક રજુઆતો અને લોકોના પ્રબળ રોષને ઠંડો પાડવા આ હોસ્પિટલમાં બે મેડીકલ ઓફીસરની નિમણુંક થઇ છે. જે માત્ર આભાસી હોય તેમ અહીં ડોકટરો છે. છતાં નથી એવો ઘાટ ઘડાય છે. આ હોસ્પિટલમાં માન્ય મહેકમ મુજબ એક અધિક્ષક, ત્રણ મેડીકલ ઓફીસરો, એક ડેન્ટીસ્ટ, મહિ‌લા અને બાળરોગ નિષ્ણાંત આયુર્વેદીક તબીબ હોવા જરૂરી છે. પરંતુ અધિક્ષકની જગ્યા વર્ષોથી વણપુરાયેલ છે. અન્ય પાંચ તબીબો સામે માત્ર બેજ ડોકટરોનું પોસ્ટીંગ છે.
જયારે તાજેતરમાં નિમણુંક પામેલ ડોકટર લગભગ અન્ય હોસ્પિટલમાં ડેપ્યુટેશનમાં હોય છે. જયારે બાકીના કોઇ ડોકટર રજા પર હોય તો બહારથી ડેપ્યુટેશન પર ઉછીના ડોકટરથી થાગડ થીગડ કાર્યવાહી બજાવાય છે. આ સ્થિતિ સમગ્ર તાલુકાની આમ જનતા માટે ક્રુર મશ્કરી સમાન છે. તળાજા હોસ્પીટલની ડોકટરની કાયમી પળોજણ સામે સ્ટાફમાં પણ અર્ધાથી વધુ જગ્યા વણપુરાયેલ છે. જેના અભાવે એકસરે મશીન, લેબોરેટરીના સાધનો ધુળ ખાય છે. એમ્બ્યુલન્સ કંડમ હાલતમાં છે.
તળાજા આસપાસ અકસ્માતોનો કાયમી સીલસીલો શરૂ જ હોય છે. પરંતુ ઇજાગ્રસ્તોને તળાજા હોસ્પિટલમાં ખસેડાય ત્યારે ઘણી વખત એક પણ ડોકટર ન હોય તેવુ બને છે. ત્યારે ગંભીર સ્થિતિના ઇજાગ્રસ્તની જીંદગી જોખમાય છે. અપુરતા મેડીકલ ઓફીસરોને કારણે રાષ્ટ્રીય સ્વાસ્થ્યની વિવિધ યોજનાને પણ ગંભીર અસર થઇ રહી છે. આવી સ્થિતિ હોવા છતાં પ્રજાના પ્રતિનિધિઓને આરોગ્ય તંત્ર ગણકારતુ જ નથી છેવટે આમ પ્રજાને શોષવુ પડે છે.
- એ ગ્રેડ હોસ્પિટલ માત્ર કાગળ પર જ
૩૦ બેડની તળાજાની સરકારી હોસ્પિટલને સહકારના આરોગ્ય વિભાગ દ્વારા ફસ્ર્ટ ગ્રેડ હોસ્પિટલ યુનિટ જાહેર કરેલ છે. જેમાં અધિક્ષક સહિ‌ત ડોકટરો અને નર્સિંગ સહીત ૨૧ જગ્યાઓ મંજુર થયેલ છે. જેમાં અર્ધાથી વધુ જગ્યા વણપુરાયેલ છે. જેથી સંસાધનો બિનઉપયોગી રહે છે. જેથી તેની કાર્યક્ષમતા સતત કથળેલ હાલતમાં ખુદ લકવા ગ્રસ્ત સ્થિતિમાં છે.