ગોલરામા ગામે પૈસાની લેતી દેતી બાબતે આધેડની હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોડી રાત્રે ઘરમાં ઘૂસી જઈ લોખંડના પાઈપના ઘા ઝીંક્યા
- હાથ ઉછીના પૈસા આપ્યા બાદ ચાર દિવસ પહેલા કરેલી ઉઘરાણીની દાઝ રાખી : પ્રેમ પ્રકરણની પણ થતી ચર્ચા
ઉમરાળા તાલુકાનાં ગોલરામા ગામે પૈસાની લેતીદેતી બાબતે ઉઘરાણી થતાં થયેલ હીચકારા હુમલામાં ઈજાગ્રસ્ત પટેલ શખ્સનું મોત નિપજતાં બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. ગઇ કાલે મોડી રાત્રે બનેલા આ બનાવથી નાના એવા ગામમાં ખૂનનો બનાવ બનતા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.
ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદ મુજબ ઉમરાળાથી ૧પ કિ.મી.નાં અંતરે આવેલ ગોલરામા ગામે ત્યાંના રહીશ જસમતભાઈ બાબુભાઈ લુખી (પટેલ (ઉં.વ.પ૦)એ આજ ગામનાં રહીશ નાનુભાઈ આંબાભાઈ રજપુતને હાથ ઉછીનાં પૈસા આપેલા હતા. જે નાણાંની ચાર દિવસ પહેલાં જસમતભાઈએ ઉઘરાણી કરેલ જેની દાઝ રાખીને તા.૧૧ નવેમ્બરની રાત્રે અગિયારેક વાગ્યે નાનુભાઈ રાજપુતે જસમતભાઈ પટેલનાં ઘરે જઈને લોખંડના પાઈપ વડે હુમલો કરીને માથામાં અને કપાળનાં ભાગે આડેધડ ઘા ઝીંકતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ જસમતભાઈ લુખીનું મોત નિપજેલ છે.
બનાવ અંગે મરનારનાં પુત્ર વિજયભાઈ જસમતભાઈ લુખીએ ફરીયાદ નોંધાવતા ઈ.પી.કો. કલમ ૩૦૨ અને જી.પી.એક્ટ ૧૩પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ઉમરાળાનાં પો.સબ.ઈન્સ. એ.જી. અગ્રવાલ ચલાવી રહ્યા છે. આ બનાવનાં મૂળમાં પ્રેમ પ્રકરણ હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જિલ્લામાં હત્યાના બનાવોની પરંપરા શરૂ રહી છે ત્યારે પોલીસતંત્ર આ બાબતે જાગૃત બની ગુનેગારો પર ધાક બેસાડે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પુન: પ્રસ્થાપિત કરે તેવી લોકલાગણી છે.