ભાવનગર : 2000 કેસ, લાયસન્સ લેવામાં લાપરવાહ ચાલકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વાસ્તવિકતા| વાહનોની સંખ્યામાં સતત વધારો, પણ લાયસન્સ લેવા પ્રત્યે હજુ ચાલકોમાં આળસ
- રસ્તા પર વસૂલાતા દંડ જેટલી રકમમાંથી ત્રણ લાયસન્સ નિકળી જાય છતા ચાલકો બેેદરકાર


ભાવનગર : ભાવનગરમાં લાયસન્સ વગર માર્ગો પર વાહનો દોડી રહ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, લાયસન્સ વગર વર્ષે 2000થી વધુ વાહન ચાલકો પોલીસનો દંડ ભોગવે છે, છતા આરટીઓ કચેરીએ એક વખત જઇને કાયમી ધોરણે પાકું ડ્રાઇિવંગ લાયસન્સ કઢાવતા નથી. જેના લીધે રસ્તા પર બેદરકારીભર્યા ડ્રાઇિવંગથી જીવલેણ અકસ્માતો થવાની ભીતિ નકારી શકાય નહીં.

ભાવનગર શહેર અને જિલ્લામાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, પણ ચોંકાવનારી બાબત તો એ છે કે, પાંચ વાહને એક માત્ર લાયસન્સ ધારક છે, મતલબ કે, વાહનોની સંખ્યા સામે નહીંવત પ્રમાણમાં જ લાયસન્સ ઇશ્યું થયા છે. વાસ્તવિકતા દર્શાવતા આકડાઓ જોતા રસ્તા પર દોડતા દરેક વાહન ધારક પાસે લાયસન્સ હશે જ તે માત્ર કલ્પના જ રહી ગઇ છે. આવીને આવી પરિસ્થિત રહેશે તો આગામી સમયમાં વાહન અકસ્માતનો ગ્રાફ પણ વધતો જવાની શક્યતા નકારી શકાય નહીં, હાલમાં રોજ બરોજ પોલીસના હાથે અનેક વાહન ચાલકો લાયસન્સ વગરના ઝડપાય છે. તેને દંડ ફટકારે છે, તે દંડ ભરવા તૈયાર થઇ જાય છે છતા એટલી જ રકમમાં નવા લાયસન્સ કઢાવવામાં વાહન ચાલકો બેદરકારી દાખવે છે. તે એક હકીકત છે.

શું કામ લાયસન્સ જરૂરી ?
ડ્રાઇવિંગ લાયસન્સ એ મહત્વનો પુરાવો છે. અકસ્માતમાં વીમા કલેઇમ વખતે ચાલક પાસે લાયસન્સ હોવંુ ફરજિયાત છે. મોબાઇલ કાર્ડથી માંડીને રહેણાંકનો પુરવો આપવામાં ફોટો આઇ-ડી તરીકે લાયસન્સ અગત્યનો દસ્તાવેજ છે.

લાયસન્સ કઢાવવા શું કરશો ?
કચેરીએથી એક ફોર્મ લેવાનું. જન્મ તારીખ, રહેણાંકના પુરવાની નકલ જોડવાની. ટુ વ્હીકલ માટે રૂ.55 અને ફોર વ્હીકલ સહિત બંનેના રૂ. 85 ભરવાના હોય છે. ઇન્સ્પેકટર પુરાવા ચેક કરે, પછી ફોટો પાડી, લર્નિંગ ટેસ્ટ કમ્પ્યૂટર ઉપર આપવાની, જેમાં 15 પૈકી 11 પ્રત્યુત્તર સાચા હોય તો તુરંત લર્નિંગ લાયસન્સ મળે છે.

દંડ વગર વાહન જવા દેવાતું નથી
ભાવનગર શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા રોજ ચેકિંગ કાર્યવાહી ચાલુ હોય છે તેમા મહિને સરેરાશ 550થી વધુ એસી કેસ તથા 325 જેટલા મેમા ફાટે છે. તેમ છતા લાયસન્સ વગરના સરેરાશ 150થી વધુ વાહન ચાલકો ઝપટે ચડે છે તેને દંડ ફટકારવામાં આવે છે. અમુક કેસમાં વિદ્યાર્થી હોય કે, કોઇની ઓળખાણ આપે તો જતા કરવા પડે છે. > પી.એ.પરમાર, PSI, ટ્રાફિક પોલીસ, ભાવનગર

દંડની શું જોગવાઇ છે?
વાહન ચલાવનાર માલિક ન હોય તો ચાલક અને માલિક બંન્ને 300-300 દંડ, પોતે જ માલિક હોય તો રૂ.300 દંડ, વીમો ન હોય તો વધુ રૂ.100, પીયુસી ન હોય તો વધુ રૂ.100, ત્રણ સવારી હોય તો પણ વધુ એક એક નિયમ ભંગના રૂપિયા 100 વસૂલ કરાય છે.

સીધી વાત
એ.બી.પટેલ, આર.ટી.ઓ. ભાવનગર


- અકસ્માતો સાથે લાયસન્સનો કોઇ સંબંધ ખરો?
સો ટકા સંબંધ છે, એટલે જ ભાવનગરમાં સોગંદનામુ કરાવાતું હતું.
- લાયસન્સ માટે જાગૃતિ કેવી રીતે આવી શકે ?
બાંધછોડ વગર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે.