ભાવનગરઃ લસણના ભાવમાં કિલોએ રૂ.૩૦નો વધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરમાં લસણના એક કિલોના ભાવ રૂ.૪૦માંથી સીધા વધીને રૂ.૭૦થી રૂ.૮૦ના આંકને આંબી ગયા
મધ્યમ વર્ગને જીવન જરૂરી ખાદ્ય ચીજોમાં કોઇને કોઇ વસ્તુમાં આકરો ભાવ વધારો માસિક બજેટને ખોરવી રહ્યો છે. પહેલાં ડુંગળીના ભાવ આસમાનને આંબ્યા તો બાદમાં બટેટાના ભાવ વધ્યા અને હવે લસણમાં એક કિલોએ રૂ.૩૦નો સડસડાટ વધારો થતા ભાવનગરના બજારમાં લસણના એક કિલોનો ભાવ રૂ.૭૦ને આંબી ગયો છે. તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત લસણનો ભાવ તો રૂ.૮૦ને આંબી ગયો છે. આ ભાવ વધારો આગામી માર્ચ,૨૦૧૪ની ૧પાી તારીખ સુધી તો અટકવાનો નથી. કારણ કે લસણની નવી આવક ત્યાર બાદ શરૂ થશે. ત્યાં સુધી મોંઘા ભાવે લસણ ખાવાનુ રહશે.
છેલ્લાં ૨૦ દિવસમાં લસણના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે. એક તરફ શિયાળાની ઠંડીના કારણે રોજબરોજ ખાદ્ય વપરાશમાં લસણની માંગ વધી છે ત્યારે જ લસણના ભાવમાં ભડકો થયો છે. ૨૦ દિવસ પહેલા લસણનો છૂટક બજારમાં એક કિલોનો ભાવ રૂ.૪૦ હતો તે આજે વધીને રૂ. ૭૦ના આંકને આંબી ગયો છે. બિયારણ માટે લસણની ધારણા કરતા વધુ ખરીદી થતા આ વખતે ભાવ આસમાનને આંબી ગયા છે.
ભાવનગરની ખાદ્યબજારમાં જ્યાંથી લસણ આવે છે તે ગોંડલ, રાજકોટ અને જામનગર જેવા માર્કેટ યાર્ડમાં લસણનો એક મણનો ભાવ રૂ.૭૦૦થી રૂ. .૮૦૦ અને મોટા કદના લસણનો ભાવ રૂ.૧૧૦૦થી રૂ.૧૨૦૦ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર માસમાં લસણનો ભાવ રૂા.પ૦૦ આસપાસ હતો. તેમાં આ ઉછાળો આવ્યો છે.
ભાવનગરમાં આજે ગુણવત્તાવાળું સારૂ અને મોટુ લસણ એક મણના રૂ.૧૩૦૦ જેવા ભાવે વેચાયુ હતુ. હજુ ત્રણ માસ સુધી લસણમાં ભાવ ઘટાડાના કોઇ અણસાર નથી. આ અંગે ભાવનગરના લસણના વેપારી ભમરાજી પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે આગામી માર્ચ માસથી લસણની નવી સિઝન શરૂ થશે. બાદમાં ભાવ ઘટે ત્યાં સુધી ભાવ ઘટાડાની કોઇ આશા નથી.
- સૌરાષ્ટ્રમાં રોજની ૧૧ હજાર ગુણીની આવક
સમગ્ર સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની રોજની આવક અંદાજે ૧૧ હજાર ગુણીની છે. આ વર્ષે ચોમાસુ સારુ રહ્યુ હોય લસણની માંગ વધી છે. બિયારણ માટે માંગ વધતા ખેડૂતોએ ખરીદી શરુ કરતા બજારમાં ભાવ ઉચકાયા છે.
- નવી સિઝનમાં બમ્પર વાવેતરની આશા
આ વર્ષે સાનુકૂળ ચોમાસા બાદ લસણનુ નવી સિઝનમાં બમ્પર વાવેપર થાય તેવી આશા છે. લસણના વાવેતર માટે હજુ ૨૦ દિવસ જેવો સમયગાળો બચ્યો છે ત્યારે તેના વાવેતરમાં સારો રસ જોવા મળી રહ્યો છે. જો કે માર્ચ સુધી નવુ લસણ બજારમાં ન આવે ત્યાં સુધી ભાવ ઘટાડાની આશા નથી.