મોટા ઉદ્યોગોના ઇશારે રી-રોલિંગ મિલોને અન્યાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રી-રોલિંગ ઉદ્યોગને મરણતોલ ફટકો મારતા કેન્દ્ર સરકારના ફરજીયાતપણે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)નો નિયમ તા.૩૧ માર્ચથી અમલી બની રહ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લાની ૧૦૦ સહિ‌ત રાજ્યની ૨૦૦ રી-રોલિંગ મિલોના અસ્તિત્વ પર જોખમ તોળાઇ રહ્યું છે. રી-રોલિંગ મિલના ઉદ્યોગકારોમાં થતી ચર્ચા મુજબ દેશના ટોચના ઉદ્યોગગૃહોના ઇશારે જ નાના ઉદ્યોગોને બંધ કરાવવાની પેરવી કરાઇ રહી છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાંથી નીકળતી જહાજની પ્લેટોમાંથી બનાવવામાં આવતા સળીયાને બીઆઇએસ પ્રમાણિત કરવાનું ફરજીયાત બનાવવાના કાયદાનો ચોતરફથી વિરોધ થઇ રહ્યો છે. નવા કાયદા મુજબ કાચા માલ પર બીઆઇએસનો અમલ કરવો આવશ્યક છે, જ્યારે રી-રોલિંગ મિલ એસો.ના મતે કાચા માલ પર આવા પ્રકારની અડચણ બીનજરૂરી છે. ભારતના અગ્રણી ઉદ્યોગ ગૃહોના ઇશારે નાની નાની રી-રોલિંગ મિલોને કચડી નાંખવા અવાર નવાર પેંતરા રચવામાં આવે છે. અતિ ખર્ચાળ ગણાતી પધ્ધતિનું અમલીકરણ કરવું તમામ ઉદ્યોગપતિઓ માટે શક્ય નહીં હોવાથી રી-રોલિંગ મિલોના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે.

હાલ ભાવનગર જિલ્લાની મિલો દ્વારા પ્રતિ માસ ૧ લાખ ટન સળીયાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, અને શિપબ્રેકિંગ ઉદ્યોગમાંથી પ્રતિમાસ સરેરાશ પ લાખ ટન નિકળતા સ્ક્રેપ અને પ્લેટ પૈકી ૭૦ ટકા ઉપયોગ રી-રોલિંગ મિલ ઉદ્યોગ દ્વારા કરાઇ રહ્યો છે. સમગ્ર ભારતમાં ૨૬૦૦ પૈકીની ૧૮૦૦ રી-રોલિંગ મિલોના કાચા માલનો મુખ્ય સ્ત્રોત શિપબ્રેકિંગ વ્યવસાય જ છે.

જો આ નિયમ અમલી બનશે તો શિપબ્રેકિંગ ઉદ્યોગને તેઓનો સ્ક્રેપ અને પ્લેટ ફરનેસ માલિકોને ઓછા ભાવે વેચવાનો વારો આવશે, હાલ રી-રોલિંગ મિલો તરફથી તેઓને મળી રહેલા પોષણક્ષમ ભાવો ગગડવા લાગશે.

...તો રી-રોલિંગ મિલો અને શિપબ્રેકિંગને તાળા લાગશે

ભાવનગર જિલ્લામાં ચાલતી તમામ રી-રોલિંગ મિલોમાં કાચો માલ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાંથી આવતી પ્લેટો પર આધારીત હોય છે અને બીઆઇએસના નિયમોમાં શિપ સ્ક્રેપની પ્લેટો સીધી રીતે રી-રોલિંગ મિલોમાં વાપરવાની અનુમતિ આપવામાં આવી નથી. આ નિયમ તળે બંને ઉદ્યોગને તાળા મારવાની નોબત આવી શકે તેમ છે.
હરેશભાઇ.ધાનાણી , પ્રમુખ, સિહોર રી-રોલિંગ મિલ એસોસિએશન