સિહોરવાસીઓ ટ્રાફિક સમસ્યાથી તોબા...તોબા...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર-રાજકોટ રોડ પર આવેલ ઐતિહાસિક નગર સિહોર શહેરની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન કથળતી જાય છે. દર વર્ષે ટ્રાફિક સપ્તાહ ઉજવાય છે. પરંતુ ટ્રાફિક નિયમોનુ પાલન નહિ થતા આડેધડ પાર્કિંગથી ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે. ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવુ જરૂરી બન્યુ છે.

સિહોર શહેરની મુખ્ય બજારમાં આડેધડ વાહનો તથા લારીઓનાં કારણે લોકોને ચાલવુ પણ મુશ્કેલ પડે છે. સિહોરની જૂની નગરરચનાના કારણે સાંકડી બજાર છે.જેમાં આડેધડ લારીઓ ઊભી રહેતા બજાર વધારે સાંકડી બની છે.આ બજાર સાંકડી હોવા છતાં આડેધડ વાહનો ચાલે છે.મનફાવે ત્યાં પાર્ક કરાય છે.આથી ટ્રાફિક પ્રશ્ન મુશ્કેલરૂપ બનતો જાય છે.

સિહોર પોલીસ દ્વારા મેઇન બજારમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખવું જોઇએ. ઘણા સમયથી સિહોરની બજારનો ટ્રાફિક તથા રીક્ષાઓ,લારીઓવાળા ધરાર રોડનો કબજો કરી બેસી જાય છે.આથી રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને જો કોઇ મોટું વાહન મેઇન બજારમા આવે ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય તેની ન પૂછો વાત! આ રોડ પરથી પસાર થતા પોલીસ કર્મી આ વસ્તુ ને નજરઅદાંજ કરે છે.આથી આમ પ્રજાએ મુશ્કેલી સહન કરવી પડે છે. સિહોર પોલીસ દ્વારા સિહોરની મેઇન બજારનો ટ્રાફિક હળવો કરે તેવી લોકમાંગ ઊભી થઇ છે.

પોલીસ પેટ્રોલિંગ સતત હોય છે...

ટ્રાફિક પ્રશ્ન હલ કરવા સેલ્ફ ડીસિપ્લિન જરૂરી છે.સિહોરમાં મેઇન બજાર,વડલાચોક,બસ સ્ટેન્ડપાસે ટ્રાફિક સમસ્યા ઘણી છે. જેને નિવારવા માટે અમારું પેટ્રોલિંગ સતત હોય છે અને જરૂર જણાય ત્યાં ગાડીઓ ડિટેઇન કરી, દંડ વસુલ કરીએ છીએ. ટ્રાફિક પ્રશ્નના નિરાકરણ માટે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પાકિઁગની વ્યવસ્થા હોવી જરૂરી છે તે સિહોરમાં નથી. ટ્રાફીકનો પ્રશ્ન ઉકેલવા માટે વાહન ચાલકોની જાગૃતિ જરૂરી છે. - એસ.એન.ચુડાસમા, પ્રો.પી.એસ.આઇ.સિહોર

નિયત સમયે પ્રતિબંધ...

સિહોર મેઇનબજારનો ટ્રાફિક હળવો કરવા બજારમાં વનવે જાહેર કરી વાહનોને સવારનાં ૮ થી ૧ તેમજ સાંજના ૪ થી ૮ વાગ્યા સુધી પ્રતિબંધ હોવો જરૂરી છે તો જ ટ્રાફિક પ્રશ્ન હળવો થશે. - મિતેશ પટ્ટણી , વેપારી, સિહોર

પોલીસ કડક કાર્યવાહી કરે...

સિહોરની સાંકડી મેઇનબજારનો ટ્રાફિક હળવો કરવા સિહોર પોલીસ આડેધડ ઊભા રહેતા લારીઓવાળા તથા ફેરિયા અને મોટા વાહનો સામે કાર્યવાહી કરે તો જ ખરીદી કરવા આવતા સિહોર શહેર/તાલુકાના લોકોને ટ્રાફિકથી રાહત રહે. - ભાવેશભાઇ વોરા , વેપારી, સિહોર

ધાર્મિક સ્થળો માટે બોર્ડ મૂકો...

સિહોર નગરપાલિકા દ્વારા વડલાચોક તેમજ ટાણા રોડ ખાતે જે તે વિસ્તારમાં તેમજ ધાર્મિક સ્થળોએ જવા માટે બાયપાસ રોડનાં બોર્ડ મુકવામાં આવે તો બહારગામથી વાહનો લઇને આવતા લોકો મેઇનબજારનાં ટ્રાફિકનો ભોગ ન બને અને મેઇન બજારનો ટ્રાફિક હળવો થાય. - કમલેશ બાંભણીયા, વેપારી, સિહોર

પોલીસનું સતત પેટ્રોલિંગ જરૂરી...

સિહોર મેઇનબજારમાં બહોળી સંખ્યામાં લોકો દરરોજ ખરીદી કરવા આવે છે અને તાલુકાનું હટાણું સિહોર છે ત્યારે આડેધડ ઊભા રહેતા રીક્ષાવાળાઓ,વાહનો,લારીવાળાઓ અને ફેરિયાઓને હટાવવા સિહોર પોલીસે દરરોજ સતત પેટ્રોલીંગ ચાલુ રાખવું જોઇએ. જેથી કરીને આડેધડ ઉભા રહેતા ખાનગી વાહનોમાં નિયંત્રણ આવે. - મનીષભાઇ સોની, વેપારી, સિહોર