સિહોરમાં પ્રદૂષણથી આરોગ્યને ખતરો, વધારે વૃક્ષો વાવવા લોકમાંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીઆઇડીસીથી ઘેરાયેલા સિહોરમાં દિન પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણથી પરેશાની

ઔદ્યોગિક નગર સિહોર જિલ્લામાં કદાચ એક માત્ર એવું નગર છે કે જયાં સૌથી વધારે ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. આ ઉદ્યોગોમાં દિન-પ્રતિદિન વધતા જતાં પ્રદૂષણને કારણે સિહોરવાસીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો થયો છે. સિહોરને હરિયાળું બનાવવા નગરપાલિકા દ્વારા વધારેમાં વધારે વૃક્ષો વાવીને શકય તેટલા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સિહોરમાં આમેય વસતિના પ્રમાણમાં બાગ-બગીચાનું પ્રમાણ ઓછું છે અને આ પ્રદૂષણની નાના બાળકો અને વૃધ્ધો પર વિશેષ ગંભીર અસર પડતી હોય છે.

સિહોરની ગમે તે દિશામાં જાઓ પણ સિહોરની એકેય દિશા એવી નથી કે જયાં જીઆઇડીસી ન આવેલ હોય. ભાવનગર રોડ પર આવેલ ગુંદાળા વિસ્તારમાં જીઆઇડીસી નં-૧, ઘાંઘળી રોડ પર જીઆઇડીસી નં. ૨ અને ૪ તેમજ રાજકોટ રોડ પર આવેલ ગરીબશા પીર નજીક જીઆઇડીસી નં. ૩ આવેલ છે. આ જીઆઇડીસીના કારખાનાઓમાંથી રાત- દિવસ સતત ધુમાડા નીકળતા હોય છે. જેને કારણે સિહોરમાં રહેણાંકી વિસ્તારોમાં પણ તેની દુર્ગંધ આવતી હોય છે.

જીઆઇડીસી નં.૧ના કારખાનાઓને કારણે ગુંદાળા વિસ્તાર,ગાયત્રીનગર,ભોજાવદર સહિ‌તના વિસ્તારો,જીઆઇડીસી નં.૨ અને ૪ના કારખાનાઓને કારણે મહાગૌતમેશ્વરનગર સહિ‌તના વિસ્તારો તેમજ ગરીબશા પીર નજીક આવેલ જીઆઇડીસી નં. ૩ના કારખાનાઓને કારણે સર્વોદય સોસાયટી સહિ‌તના વિસ્તારોમાં આ ધુમાડાને કારણે નગરજનો ખુબ જ પરેશાન થઇ ગયા છે. સિહોરની વધતી વસતિની સામે ઉદ્યોગો પણ વિકસી રહ્યા છે. આ ઔદ્યોગિક ફેકટરીઓમાંથી નીકળતા પ્રદૂષિત ધૂમાડાને કારણે નગરજનોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઇ રહી છે. નગરપાલિકા દ્વારા વધારેમાં વધારે વૃક્ષો વાવીને શકય તેટલા તમામ પ્રયત્નો હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.

- મોનિટરીંગ ચાલુ જ છે

સિહોરમાં પ્રદુષણ ફેલાતુ હોવાનું ડિપાર્ટમેન્ટને ફરિયાદ મળી છે. રાત્રીનું મોનિટરીંગ ચાલુ જ છે. હાલમાં રોલીંગ મિલ, ઇન્ડેક્ષ ફર્નેશના યુનિટ થોડાક જ ચાલુ છે, જે દરેક યુનિટો ચાલુ થશે, ત્યારે વાસ્તવિકતા જાણી શકાશે તેમ છતાં હાલમાં જે કોઇ ઝડપાશે, તુંરત તેની સામે કાર્યવાહી હાથ ધરાશે. એ.વી.શાહ, પ્રાદેશિક અધિકારી, જીપીસીબી