ઓક્ટોબરથી ગેસમાં સબસીડી પ્રથાનો અમલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આધાર કાર્ડ હશે તેને સબસીડી મળવાપાત્ર ગણાશે : હજુ સુધી માત્ર ૨ ટકા ગેસધારકોએ આધાર કાર્ડની વિગતો આપી

રાંધણ ગેસ ધારકો માટે આગામી ઓક્ટોબર માસથી સબસીડી વગરનો રાંધણ ગેસનો સીલીન્ડર ગેસ એજન્સીમાંથી લેવાની પ્રથા અમલી થઇ રહી છે અને બાદમાં જેને આધાર કાર્ડ હશે તે કાર્ડ ધારકોને તેના નંબરના આધારે બેન્કમાં સબસીડીની રકમ જમા થશે તેવુ આયોજન અત્યારે સરકાર વિચારી રહી હોય આ મતલબની માહિતી પણ ગેસ એજન્સીઓમાં આવી ગઇ છે.

જો ખરેખર સરકાર દ્વારા આગામી ઓક્ટોબરથી આ નિયમનુ અમલીકરણ શરુ થશે તો લોકોની દોડાદોડી વધી જશે કારણ કે અત્યારે તો આધાર કાર્ડની ભાવનગર શહેર અને જિલ્લામાં કામગીરી તદ્દન મંથર ગતિએ આગળ ચાલી રહી છે અને તેમાં પણ રાંધણ ગેસ એજન્સીઓમાં તો માત્ર બે ટકા જેવા લોકોએ આધાર કાર્ડની વિગતો ભરી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ગેસ એજન્સીઓમાં જેમ છેક છેલ્લી ઘડીએ કે.વાય.સી.ફોર્મ ભરવા માટે લાંબી-લાંબી લાઇનો અને ભારે દોડધામ જોવા મળેલી તેવી જ દોડધામ જો આગામી ઓક્ટોબરથી રાંધણગેસના સીલીન્ડર ગેસ એજન્સીઓમાંથી તો તમામને બજાર ભાવે જ મળશે અને બાદમાં સરકાર તેની સબસીડીની રકમ રાંધણ ગેસના ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં સીધેસીધી જમા કરવી દેશે.

પણ આ નિયમની અમલવારીમાં ખાટલે મોટી ખોટ એ લાગશે કે એક તો હજુ પણ તમામ રાંધણ ગેસ ધારકોને બેન્કમાં એકાઉન્ટ નથી. વળી છે તેમાં કેટલાકને સહકારી બેન્કોમાં એકાઉન્ટ છે. આજે તમામ સહકારી બેન્કોને એવી સુવિધા નથી કે સરકાર ત્યાં નાણા ટ્રાન્સફર કરાવી શકે. કારણ કે ગ્રાહકને સબસીડીની રકમનો ચેક મળવાનો નથી પણ એકાઉન્ટમાં જમા થવાની છે. આથી ગ્રાહકોએ આઇએફએસસી કોડવાળી બેન્કોમાં ખાતુ હોય અને તેનો નંબર નોંધાવે તે જરૂરી છે.

બીજી બાજુ આધાર કાર્ડની કામગીરી પણ મંથર ગતિએ આગળ ધપી રહ્યું હોય અને તેમાં પણ જેની પાસે આધાર કાર્ડ આવી ગયા હોય પણ હજુ તેઓ તેની માહિતી ગેસ એજન્સીમાં લખાવવા ગયા નથી. આજે તો ભાવનગર શહેર અને જિલ્લામામં સરેરાશ માંડ બે ટકા જેટલા ગ્રાહકોએ માહિતી જમા કરાવી છે. ૯૮ ટકાને બાકી છે. આપણી માનસિકતા એ છે કે છેક છેલ્લી ઘડીએ જાગવુ એટલે જ્યારે બાટલાના રૂ.૮૩પ ચૂકવવાના થશે ત્યારે સૌ કોઇ દોડાદોડી શરુ કરશે. જો કે આ અમલીકરણ પણ ઓક્ટોબર,૨૦૧૩થી થાય તે સરકાર માટે કપરું કાર્ય છે.

- શહેરમાં નવા ગેસ જોડાણ આપવાનો આરંભ

ભાવનગર શહેરમાં મોટા ભાગની ગેસ એજન્સીઓમાં છેલ્લા કેટલાક સમયથી નવા ગેસ જોડાણ આપવામાં આવતા ન હતા પણ હવે કંપનીમાંથી નવા જોડાણો આપવા માટે લીલી ઝંડી મળી જતા ત્રણેક દિવસથી નવા જોડાણો આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. જ્યાં વેઇટિંગ હોય ત્યાં પ્રથમ તેઓને જોડાણ આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.
- હરેશભાઈ, સંચાલક, ગેસ એજન્સી

- જિલ્લામાં ૧.૯૨ લાખ રાંધણ ગેસ ધારકો

ભાવનગર જિલ્લામાં અંદાજે ૨૭ જેટલી રાંધણ ગેસ એજન્સીઓ છે તેમાં ૧,૯૨,૦૦૦ જેટલા રાંધણ ગેસ ધારકો છે. ભાવનગર શહેરમાં ઇન્ડેનની ૮, ભારતની ત્રણ અને એચ.પી.ની એક મળી કુલ ૧૨ ગેસ એજન્સી છે અને શહેરમાં એક લાખથી વધારે રાંધણ ગેસ ધારકો છે.