તળાજા: નળાખ્યાનની ચર્ચામાં પાત્ર ભજવવા ઝગડો થતાં ખૂન કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-મર્ડર| તળાજા નજીક સરતાનપર બંદરની ઘટના
-
દારૂના નશામાં મિત્રના હાથે મિત્રની હત્યા : હત્યારો જબ્બે

તળાજા : તળાજા તાલુકાનાં સરતાનપર બંદર ખાતે રહેતા બે કોળી મિત્રોએ ગત રાત્રિનાં ભેગા થઈ ખેતરમાં દારૂની મહેફીલ કરી હતી. જેમાં બન્ને મિત્રો વચ્ચે નળાખ્યાનની ચર્ચામાં પાત્ર બાબતે ડખ્ખો થતાં એક મિત્રએ બીજા મિત્રનું ઢીમ ઢાળી દીધું હતું. આમ, દારૂની મહેફિલથી બે મિત્રો વચ્ચેની મૈત્રીનો કરૂણ અંત આવ્યો હતો.આ અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સરતાનપર બંદર ખાતે રહેતા કોળી પ્રવિણભાઈ મકનભાઈ વેગડ (ઉં.વ.45) ગત બપોરે પોતાનાં ખેતરમાં કામે ગયેલ જે મોડીરાત સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારનાં સભ્યોએ તપાસ કરતાં મોડી રાત્રિનાં તેઓનો લોહી લુહાણ હાલતે મૃતદેહ ખેતરીમાંથી જ મળી આવ્યો હતો.

આ બાબતે વધુ તપાસ કરતાં પોલીસને જાણવા મળેલ વિગતો મુજબ ગત મોડી સાંજે પ્રવિણભાઈ અને તેનો મિત્ર એભલ બારૈયા ખેતરમાં દારૂની પાર્ટી કરી નશામાં ધૂત બન્યા હતા. તેવામાં અચાનક બોલાચાલી થતાં એભલે ઉશ્કેરાઈ જઈ ધારદાર હથિયારથી મોડીરાત્રે પ્રવિણભાઈને ગંભીર ઈજા કરી નાસી જતાં મોડી રાત્રે પરિવારજનોએ તેને મૃત હાલતમાં અત્રે તળાજા હોિસ્પટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા.

હત્યાની આ ઘટના અંગે તળાજા પી.એસ.આઈ. એસ.જી. ખાંભલાએ હત્યાનો ગુનો નોંધી મૃતદેહનું પેનલ પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતકનાં ભત્રીજા મેઘજીભાઈ ગોબરભાઈની ફરિયાદ પરથી હત્યારાની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યાં હતાં અને ગણત્રીની કલાકોમાં જ તેને ઝડપી લીધો હતો.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ દારૂની પાર્ટી બાદ બન્ને ભાઈબંધો નળાખ્યાનની ચર્ચા કરતાં હતાં. એવામાં પાત્રો બાબતે થયેલ ચર્ચામાં ઉશ્કેરાટ થતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ હત્યાની ઘટના બની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.