ભાવનગર: પાંચ બહેનોને જવતલ હોમનાર એકનો એક કુળ દીપક બુઝાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મૃતક યુવનાની ફાઈલ તસવીર)

-કોડભરી કન્યાના હાથમાં હજુ તો મહેંદીનો રંગ ગયો નથી ત્યાં જ કપાળેથી સિંદૂર ભુસાઇ ગયું : પરિવાર શોકમગ્ન
કરૂણાંતિકા | શિક્ષક પરિવાર સામાન લઇને સુરત જતો હતો

ભાવનગર: ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાની કહેવતને યર્થાથ ઠેરવતી ઘટના પાલિતાણાના જાળિયા આકોલાળીના વ્યાસ પરિવાર સાથે બની છે. પાંચ બહેનોનો સૌથી મોટો એકનો એક ભાઇ દીપકની માફક પળભરમાં બુઝાઇ જતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વ્યાસ પરિવારની અશ્રુભરી આંખો સુકાતી નથી.

પાલિતાણા તાલુકાના જાળિયા-આકોલાળી ગામ. ગીરધરભાઇ વ્યાસ-પ્રજાપતિ પરિવાર. પાંચ નાની બહેનો, સૌથી મોટો ભાઇ દિલીપ (ઉ.વ.25). પરિવાર ગરીબ. પેટે પાટા બાંધીને દિલીપને ભણાવ્યો. ઢસા પીટીસી કરીને દિલીપ સુરત જતો રહ્યો. શિક્ષકની નોકરી મળી. તા.21 ઓગસ્ટ-14 પરિવાર શરણાઇના શૂરે લગ્ન ગીતો ગાતા- ગાતા દિલીપને માંડવે લઇ જવાયો, તળાજામાં ચાર ફેરા ફરી કન્યાને કપાળે શિંદૂર ભરીને સાત ભવનો સાથ નિભાવવાનો કોલ આપ્યો હતો. પણ વિધાતાને એ મંજૂર નહીં હોય કે, પછી કાળ પણ ક્રુર મજાક કરતો હોય તેમ કન્યાના હાથમાં મહેંદી નહીં ભુસાઇ ત્યાં કપાળનું સિંદુર છીનવી લીધો.

દિલીપએ સુરતમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી હતી. લગ્ન બાદ રાચરસીલું લઇને તેની માતા, પત્ની સહિત ત્રણ સભ્યો સુરત જતા હતા. રસ્તામાં ભડભીડ પાસે મેટાડોરને પંચર પડ્યું, રસ્તામાં પંચરનું કામ ચાલતું હતું. દિલીપ બાજુમાં ઉભો હતો. બંધ મેટાડોરને કાળમુખા ટોરસટ્રક પાછળ આવીને મેટાડોર પર ઘુસી જયો, એટલે મેટાડોર પલ્ટી મારી ગયો. નીચે દીલીપ ઉપર વાહન. પત્ની, માતાને કાચ તોડીને બહાર તો કઢાયા, સદ્દ નસીબે તેઓને કોઇ ગંભીર ઇજ્જા થઇ ન હતી. પણ ઘરનો મોભી કહો કે, આિર્થક રીતે આધાર સ્થંભ દિલીપએ હમેંશા માટે આંખ મિચી લીધી હતી.

પેટે પાટા બાંધીને ભણાવ્યો હતો
જાળિયા આકોલાળી ગામે રહીને ઇંટોનું કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરતા દીલીપના પિતા ગીરધરભાઇ કહે છે, મારા નસીબ ફુટી ગયા. મેં પેટે પાટા બાંધીને દીલીપને ભણાવ્યો, નોકરી મળી એટલે મને થયું મારે થોડી શાંતિ. પણ કુદરતને મંજૂર નહીં હોય તો જ અમારે આવી પીડા સહન કરવાનો વખત આવ્યો હોય ને ?