ભાવનગરમાં મોબાઈલ ટાવર આગની લપેટમાં, મચી અફડાતફડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરના સુભાષનગરમાં મધરાત્રીએ ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર ભડભડ સળગી ઉઠતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. ભાવનગરમાં ઠેર ઠેર ટાવરો ખડકાયેલા છે.જેમાં ખાસ કરીને રહેણાંકી મકાનોમાં ભાડાની લાલચમાં ગેરકાયદે ખડકી દેવાયેલા ટાવરો ભય સમાન બન્યા છે.
શહેરના સુભાષનગરમાં આવેલી જગદિશ સોસાયટીમાં ગઇ કાલે રાત્રીના ૧.૩પ કલાકે એરટેલ કંપનીનો મોબાઇલ ટાવરમાં આગ લાગી હતી. આ આગ એવી રીતે લાગી હતી કે સમગ્ર ટાવરને ઘેરી લીધો હતો અને કેબલો બળીને ખાક થઇ ગયા હતા. આગની જવાળા જોતા જાણે કે હોળીકા પ્રગટાવી હોય તેવો પ્રકાશ આસપાસ જોવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને પાણીનો છટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી. બાદમાં બી.ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઇને પંચનામુ કયું હતું. જ્યારે એફએસએલ ટીમ પણ દોડી ગઇ હતી. ઉપરાંત કંપનીના સત્તાવાહકો અમદાવાદથી દોડી આવ્યા હતા. જોકે, નુકસાની અંગે કે આગ લાગવાનું કોઇ ઠોસ કારણ જાણવા મળેલ નથી. તેમ ટાવરના સુપરવાઇઝર ભરતભાઇએ જણાવ્યું હતું. નોંધનિય છે કે, આવી રીતે અન્ય સ્થળોએ ટાવરમાં આગ લાગવાની ઘટના નકારી શકાય નહીં.