ભાવનગર: કોર્પોંરેશનની બેદરકારીને કારણે દસ્તાવેજો પર પાણી ફરી વળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-નિષ્ક્રીયતા | બિલ્ડિંગની બિસ્માર અગાસીમાંથી પાણી ઉતરતા
-કાર્પેટ એરિયા બેઇઝ કર પદ્ધતિ માટે 2008-09માં કરેલા સર્વેના કબાટમાં રાખેલા ચોપડા પલળી ગયા


ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં જુદા-જુદા વિભાગોમાં સંકલનના અભાવે પ્રજાજનોને મુશ્કેલી વેઠવી પડે છે. તંત્રની બેદરકારીને કારણે કાર્પેટ એરિયા પ્રમાણે ઘરેવેરાના સર્વેના ચોપડા વરસાદી પાણીને કારણે પલળી જતા ઓરીજનલ ડોક્યુમેન્ટ માટે તંત્રની નિષ્ક્રીયતાનો ભોગ કરદાતાઓએ બનવું પડશે.

મહાનગરપાલિકાના વર્ષો જૂના દસ્તાવેજોના કોઇ ઠેકાણા નથી ત્યાં નવા ડોક્યુમેન્ટ પણ નાશ પામી રહ્યાં છે. તંત્રની ગંભીર બેદરકારીને દસ્તાવેજો પર પાણી ફરી વળ્યા છે. કાર્પેટ એરિયાનો વર્ષ 2008-09માં કરેલા સર્વે અને ઘરવેરાના અન્ય ચોપડા કોર્પોરેશન બિલ્ડિંગમાં ચોથા માળે ભીત કબાટમાં રાખવામાં આવ્યા છે.

પરંતુ બિલ્ડિંગની અગાસીની હાલત બદ્દતર થઇ ગઇ છે. લાદીઓ પણ ઉખડી ગઇ છે જેથી અગાસીમાંથી વરસાદી પાણી ભીતે ઉતરતા કબાટમાં રાખેલા ઘરવેરાના અને એસેસમેન્ટના ચોપડા પણ પલળી ગયા છે. ગંભીર બેદરકરીની જાણ થતા તાબડતોબ પલળેલા ચોપડાને બહાર ટેબલ પર સુકાવા મુકી દીધા હતા. પરંતુ પાણીને કારણે ચોપડામાંની શાહી ફેલાઇ જતા તેમાના ડેટા ઉકેલવા પણ મુશ્કેલ છે. તંત્ર વાહકોને અગાસીની બિસ્મારતા અને વરસાદને કારણે દસ્તાવેજોની બદ્દતર હાલત થવા વિષે અગાઉથી જાણ જ હતી છતા અગત્યના ચોપડાઓને બચાવી શકાયા નહી.


કોમ્પ્યૂટરમાં ડેટા છે જ
અગાસીમાં લાદીના કામને કારણે વરસાદી પાણી દિવાલમાં ઉતરતા કબાટમાં રાખેલા કાર્પેટ એરિયા કર પદ્ધતિના વર્ષ 2008-09ના સર્વેના થોડા ચોપડા પલળી ગયા છે. પરંતુ તેને સુકવી દીધા છે અને પલળી ગયેલા ડેટા કોમ્પ્યૂટરમાં છે જ.

> જે.એમ.સોમપુરા, ઘરવેરા સુપ્રિટેન્ડેન્ટ, મ્યુ.