પાલિતાણામાં સિવિલ દવાખાનુ છે, તબીબો નથી : દર્દીઓ દયનીય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હોસ્પિટલનો એકસરે| પાલિતાણામાં સિવિલનો દરજજો ધરાવતી માનસિંહજી હોસ્પિટલ ઝંખે છે સારવાર
-
દર્દીઓને સાજા કરવાને બદલે હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને : પ્રસુતિ ગૃહની પણ ખરાબ હાલત

ભાવનગર: પાલિતાણાના સ્વર્ગસ્થ મહારાજા માનસિંહજીએ પાલિતાણા સહિત આજુબાજુના પંથકના લોકો માટે બનાવેલી માનસિંહજી હોસ્પીટલ તથા પ્રસુતિ ગૃહમાં તમામ સ્તરે અગવડતારૂપ બની રહી છે. હોસ્પિટલમાં મળતી સુવિધાથી માંડીને હોસ્પિટલમાં સ્ટાફની જગ્યા પણ વણપુરાયેલી હોય જનતા મુશ્કેલી ભોગવી રહી છે ત્યારે તંત્રએ આ હોસ્પિટલ પુન: ધબકતી કરવા તાકીદે પગલા ભરવા માંગ ઉઠી છે. હોસ્પીટલમાં નિષ્ણાંત તબીબોના અભાવે દર્દીઓના દર્દ દુર થતા નથી.

પાલિતાણાના સ્વ. મહારાજા માનસિંહજીએ પાલિતાણા, ગારીયાધાર, જેસર વિસ્તારની જનતા માટે માનસિંહજી હોસ્પિટલ બંધાવી મહારાજાએ આ દવાખાનાની શરૂઆત કરી ત્યારે બે ડોકટરો, ત્રણ કમ્પાઉન્ડરો અને 15નો સ્ટાફ આવી રીતે 20 કર્મચારીઓની નિમણુંકથી આ હોસ્પિટલ શરૂ કરી હતી. આ હોસ્પિટલમાં કોઇપણ સગવડતાઓ આ દવાખાનામાં નથી. આ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરવામાં આવતી નથી.

સીતાબા પ્રસુતિ ગૃહ દોજખખાના જેવા બની ગયા છે. હોસ્પિટલમાં દુર્ગંધ ફેલાતી હોય છે. કુતરાઓનો ત્રાસ છે. પલંગ ઉપર પાથરેલા ચાદર, ગાદલા અસ્વચ્છ હોય છે. દર્દીઓને પુરતી દવાઓ આપવામાં આવતી નથી. સામાન્ય દવા ઇન્જેકશન દર્દીઓને બજારમાંથી લાવવા પડે છે. અહીં દર્દીઓ સાજા થવાના બદલે વધુ માંદા પડે તેવુ લાગી રહ્યુ છે. આ સરકારી દવાખાનુ જ માંદુ પડયુ છે. કેમકે નિષ્ણાંતો જ નથી.

હોસ્પિટલને પ્રજાલક્ષી બનાવવાના ઉપાયો
- અદ્યતન સુવિધાવાળુ ઓપરેશન થિયેટર હોવા છતાં નિષ્ણાંત સર્જનના અભાવે સાધનો કાટ ખાઇ રહ્યા છે. તેથી તાકીદે સર્જન, ગાયનેક, બાળરોગ, ઓર્થોપેડીક અને ઇએનટી તથા અાંખના સર્જન મુકવા જોઇએ.
- પ્રસુતિ ગૃહના તંત્રને વ્યવસ્થિત બનાવી ચેતનવંતુ કરવુ જરૂરી છે.
- પાલિતાણાના ખાનગી તબીબો સપ્તાહમાં એકવાર માનદ સેવા આપવા તૈયાર છે. ત્યારે સતાવાળાઓએ આ લાભ લેવો જોઇએ.

સરકારમાં રજૂઆત કરી છે
પાલિતાણાની સરકારી હોસ્પીટલમાં નિષ્ણાંત ડોકટરો અને સર્જનની જગ્યા તાકીદે પુરવા આરોગ્ય મંત્રી સમક્ષ માંગણી કરેલ છે. > અશોકભાઇ નૈનાણી, પ્રમુખ, પાલિતાણા શહેર ભાજપ

ખરેખર આરોગ્ય ધામ બનાવો
આ હોસ્પિટલના અધિક્ષકની તાકીદે બદલી કરવા તેમજ સરકારી દવાખાનામાં નિષ્ણાંત ડોકટરો અને સ્ટાફની ખુટતી જગ્યા તાકીદે ભરવા તેમજ હોસ્પીટલને સાચાર અર્થમાં આરોગ્યધામ બનાવવા આરોગ્ય મંત્રી સમક્ષ રજુઆત કરેલ છે. > પ્રવિણભાઇ રાઠોડ, ધારાસભ્ય,