ભાવનગર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો : ૧નું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં એક જ દિવસમાં ૨૦૦થી વધુ ઝાડા-ઉલ્ટીનાં કેસ નોંધાયા

ભાવનગરમાં ચૈત્ર દનૈયા બરાબર તપી રહ્યા છે. અને ગરમીનો પારો ૪૦.૬ની સપાટીએ પહોંચ્યો છે. ત્યારે છેલ્લા પખવાડીયાથી શહેર-જિલ્લામાં ઝાડા-ઉલ્ટીનાં કેસોનો ભારે વધારે નોંધાવા પામ્યો છે. ભાવનગર શહેરની સર ટી. હોસ્પિટલમાં આજે માત્ર એકજ દિવસ ઝાડા-ઉલ્ટીનાં ૨૦૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. ઝાડા-ઉલ્ટીનાં કારણે શહેરનાં જમનાકુંડ વિસ્તારમાં ૮થી૧૦ વ્યક્તિને એક સાથે ઝાડા-ઉલ્ટી થઈ ગયા હતા જેમાં એક મહિ‌લાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગે ભાવનગર સર ટી. હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે જ સર ટી. હોસ્પિટલમાં ૨૦૦થી વધુ કેસો માત્ર ઝાડા-ઉલ્ટીનાં નોંધાવા પામ્યા છે. ગત ફેબ્રુઆરી મહિ‌નામાં સર ટી.માં શરદી-ઉધરસ-તાવ અને ઝાડા-ઉલ્ટીનાં દરરોજનાં ૧૦૦૦ કેસો નોંધાવા પામ્યા હતા. ત્યારે ફરી ઝાડા-ઉલ્ટીનાં રોગચાળાએ માથુ ઊંચકતા અને તેમાં એક મહિ‌લાનું મોત નિપજતાં આરોગ્યતંત્ર ઊંઘતું ઝડપાયું છે. જોકે આજની ઘટના બાદ આરોગ્ય તંત્રનાં અધિકારીઓ ઉપરાંત ઘટનાની ગંભીરતા સમજી કમિશનર સહિ‌તનાં અધિકારીઓ દોડતા થયા હતા.

શહેરનાં જમનાકુંડ વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા મહાનગરપાલિકાનાં ડ્રેનેજ પ્રશ્નને લઈને છેલ્લા ઘણા સમયથી અવારનવાર રજૂઆતો, આવેદનપત્રો કમિશનરને આપવામાં આવ્યા હતાં. છતાં પણ કોઈ અગમચેતીના પગલા લેવાયા ન હતા. અને છેલ્લા ચારેક દિવસથી જમનાકુંડ, શિશુવિહાર, અજય ટોકીઝ, મફતનગર, ટેકરી ચોક સહિ‌તનાં અનેક વિસ્તારોમાં ગટરલાઈન અને પાણીની લાઈન ભળી જતાં આ વિસ્તારમાં ૪૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીનાં રોગચાળાએ ભરડો લીધો હતો. જેમાં આજે સવારે સર ટી. હોસ્પિટલમાં સારવાર લેતા હેતલબેન અશોકભાઈ ઘુમડીયા, સંદરબેન નાનજીભાઈ વેગડ, હંસાબેન બાબુભાઈ બારૈયાને તાત્કાલિક ૧૦૮ દ્વારા સારવાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યારે કે આજનાં સર ટી. હોસ્પિટલમાંથી પ્રાપ્ત આંકડા મુજબ માત્ર ઝાડા-ઉલ્ટીનાં જ ૨૦૦ કેસો નોંધાયા છે. જેમાં મોટાભાગની મહિ‌લાઓનો સમાવેશ થાય છે. જેમાં આજ વિસ્તારમાં રહેતા અને દલિત સમાજનાં અગ્રણી એવા ભુપતભાઈ દાઠીયાનાં પત્ની ગીતાબેનનું ઝાડા-ઉલ્ટીનાં વાયરાથી મોત નિપજ્યું હતું. ર્કોપો.ની બેદરકારીથી ફેલાયેલા ઝાડા-ઉલ્ટી અને કોલેરાના રોગચાળા સંદર્ભે પૂરતી તકેદારી રાખવા અને વ્યક્તિગત જવાબદારી ફિક્સ કરવા અક્ષય ઓઝા દ્વારા કમિશનરને રજૂઆત કરાઈ હતી.

- જમનાકુંડ વિસ્તારમાં ટેન્કરથી પાણી શરૂ

જમનાકુંડ- વાલ્મિકી વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળતા મહાપાલિકા દ્વારા વિતરીત થતા પાણીને કારણે રોગચાળો ફેલાયાની શકયતાને આધારે આજથી જ આ વિસ્તારમાં ટેન્કરથી પાણી વિતરણ કરવાનું શરૂ કર્યું છે.

- ૧પ૩ ઘરમાં સર્વે કરાવી જરૂરી દવા વિતરણ કરી

જમનાકુંડ-વાલ્મિકીવાસમાં ઝાડા-ઉલ્ટીનાં બનાવના પગલે મહાપાલિકાની આરોગ્યની ૪૦થીપ૦ તબીબ-કર્મચારીઓની ટીમે ૧પ૩ ઘરનો સર્વે કરી ઓઆરએસના પેકેટ અને ક્લોરિન ટેબલેટનું વિતરણ કરાયું છે અને ઝાડા-ઉલ્ટીનાં કેસના ઘરમાં જરૂરી દવા આપી હતી. ડો.આર.કે. સિન્હા, આરોગ્ય અધિકારી

- આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી નીતિ

શહેરના જમનાકુંડ, વાલ્મિકીવાસ, પ્રભુદાસ તળાવ, ભીલવાડા, કરચલીયા પરા સહિ‌તના વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળતા એક મહિ‌લાનું મોત થતાં અને અનેક રોગના ભરડામાં આવી જતાં મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓ દોડતા થતાં હતા. જ્યારે સ્થિતિ વણસતા કમિશનર અને ડે.કમિશનરે પણ સ્થળ મુલાકાત લીધી હતી. પરંતુ તંત્રવાહકો આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા નીકળે છે. તંત્રવાહકોની બેદરકારીને કારણે રોગચાળાએ માજા મૂકી છે.

- સરકારમાં મિનિટે મિનીટોના રિપોર્ટ

શહેરનાં જમનાકુંડ વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના ફેલાયેલા રોગચાળાના પગલે રાજ્ય સરકારમાં પણ તેની ગંભીરતા સમજી મેડીકલ કોલેજની ટીમ, જિલ્લા પંચાયત આરોગ્યની ટીમને તાબડતોબ બનાવ સ્થળે દોડાવી હતી અને પરિસ્થિતિ વિષે મિનીટે મિનીટનો રાજ્ય સરકારમાં રિપોર્ટ માંગવામાં આવ્યા હતા.

- ખાદ્ય પદાર્થોનું ચેકિંગ જરૂરી

રોગચાળો બેકાબુ બને તે પહેલા શહેરમાં વિવિધ હોટેલો, રેકડીઓ, દુકાનોમાં વેચાતા વિવિધ પદાર્થો, પીણાઓની, ગણવત્તા, સ્વચ્છતા, શેરડીનાં રસ, કેરી, શિખંડ વગેરેનું મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગે નિિષ્ક્રયતા છોડીને લોકોનાં આરોગ્યને ધ્યાનમાં રાખી ચેકીંગ કરવા માંગ ઉઠી છે.