તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેમ્બરની સભામાં ભાવનગરના વિકાસની દશા અને દિશાની ચર્ચા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શશિ ઇન્ડસ્ટ્રીઝ અને હાઇટેક કાસ્ટીંગને ચેમ્બર દ્વારા પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ફોર એક્સેલન્સ એનાયત કરાયો

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ની વાર્ષિ‌ક સામાન્ય સભા યોજાઇ ગઇ જેમાં ચેમ્બરના હોદ્દેદારોથી લઇ રાજકીય આગેવાનોએ ભાવનગરના ભાવિ વિકાસની દશા અને દિશા અંગે ચર્ચા-વિચારણા કરી સૌ કોઇએ સહિ‌યારા પ્રયાસ કરવા હાકલ કરી હતી. ચેમ્બર પ્રમુખ બિપીનભાઇ શાહે જણાવ્યુ હતું કે ભાવનગરના પ્રશ્નો બાબતે દરેક આગેવાનો ચિંતિત છે અને અને સહુ પોતપોતાની રીતે અલગ-અલગ રજૂઆતો કરે છે તેથી વજન પડતુ નથી. આથી તેમણે દરખાસ્ત મુકી હતી કે મહિ‌નાના દર ત્રીજા શનિવારે ચેમ્બરમાં રાજકીય આગેવાનો સાથે શહેરના પ્રશ્નોની રજૂઆત કરી અને સમૂહમાં રજૂઆત કરવી જેથી વજન પડે. આ બાબતનો સૌ કોઇએ સ્વીકાર કરી બધા સાથે મળી રજૂઆત કરશે અને પ્રશ્નનુ સત્વરે નિરાકરણ આવશે તેવી ખાત્રી વ્યક્ત કરી હતી.

આ સભાને સંબોધન કરતા સાંસદ રાજુભાઇ રાણાએ જણાવ્યુ હતુ કે આવતી આખી સદી ભાવનગરની સદી છે. ભાવનગરમાં વિકાસ ચોક્કસ જરૂરી છે પણ તેનુ રીડેફીનેશન પણ ખુબ જરૂરી છે. તેઓએ ભાવનગરના વિકાસ માટે હંમેશા પ્રયત્નશસલ હતા અને રહેશે તેવી ખાત્રી આપી હતી. સીઆઇઆઇના વેસ્ટર્ન રીજીયનના ડેપ્યૂટી ચેરમેન ચેતનભાઇ તંબોળી અને મેયર બાબુભાઇ સોલંકીએ શહેરના સર્વાંગી વિકાસની વાતો કરી હતી. ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ભાવનગરનો ડેવલપમેન્ટ પ્લાન ટૂંક સમયમાં જ મંજૂર થશે. ધારાસભ્ય વિભાવરીબહેન દવેએ સૌ સાથે મળીને કામ કરશે તો ભાવનગરનો વિકાસ ચોક્કસ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાંસદ મનસુખભાઇ માંડવીયાએ જિલ્લામાં શિપ, ફૂડ પ્રોસેસ, પોર્ટ જેવા ક્ષેત્રોમાં વિકાસની તકો હોવાનુ જણાવ્યુ હતુ.

બે કંપનીઓને સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એક્સેલન્સ એનાયત કરાયા જેમાં શશિ ઇન્ડસ્ટ્રીઝ અને હાઇટેક કાસટીંગનો સમાવેશ થયો હતો. નવા વર્ષમાં ઓડિટર તરીકે બી.આર.પોપટની વરણી કરવામાં આવી હતી. ચેમ્બરના ઉપપ્રમુખ ટી.એમ.પટેલે આભારદર્શન કર્યુ તો સંચાલન તારકભાઇ ધોળકીયાએ કર્યુ હતુ.

- બહાર વસતા ભાવનગરીઓનુ નવરાત્રિમાં સંમેલન

ચેમ્બરની સભામાં પ્રમુખ બિપીનભાઇ મહેતાએ જણાવ્યુ હતુ કે આગામી ઓક્ટોબર માસમાં નવરાત્રિ દરમિયાન ભાવનગરની બહાર વસતા ભાવનગરના વતનીઓ જે પોતપોતાના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે તેવા લોકોનુ સંમેલન ભાવનગરમાં કરવુ અને તેમાં ભાવનગરના સર્વાંગી વિકાસ માટેનું આયોજન ઘડવુ જેથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર એક આગવુ સ્થાન મેળવી શકે.

- એવોડની રકમ દાનમાં આપવાની જાહેરાત

ચેમ્બરના એક્સેલ એવોર્ડ જે બે કંપનીને છેલ્લાં બે વર્ષ માટે એનાયત કરાયા તે બન્ને કંપનીઓએ ઇનામની રકમ મળી તે દાનમાં જાહેરાત કરી હતી જેમાં શશિ ઇન્ડસ્ટ્રીઝએ પોતાને મળેલા એવોર્ડની રકમ ઉત્તરાખંડના પીડિતોના રાહત ફંડમાં અને હાઇટેક કાસ્ટીંગે એવોર્ડની રકમ ચેમ્બરના ટ્રસ્ટમાં અર્પણ કરી હતી.