તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારે દાઉદી વ્હોરા અને હિ‌ન્દુ બન્ને સમાજનું નૂતન વર્ષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચાંદ દેખાશે તો ભાઇ બીજે મુસ્લિમ સમાજનું નવું વર્ષ
- દાઉદી વ્હોરા સમાજમાં રાતનું ખાસ મહત્વ હોવાથી રવિવારે સાંજે જ સમાજ નૂતન વર્ષની ઉજવણી કરશે


દાઉદી વ્હોરા સમાજનું નૂતન વર્ષ આગામી સોમવારે હોવાથી આ અંગે ભાવનગર સહિ‌ત સૌરાષ્ટ્રભરના દાઉદી વ્હોરા બિરાદરોમાં રૂહાની ઉમંગ છવાયો છે. સોમવારે હિ‌ન્દુ સમાજનુ નવુ વર્ષ આરંભાતુ હોય અને સાથે દાઉદી સમાજનું નૂતન વર્ષ હોય ઉજવણીનો ઉત્સાહ આ વખતે બેવડાયો છે.

દાઉદી વ્હોરા સમાજના નૂતન વર્ષ નિમિત્તે રવિવારે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો જેમ કે ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, મોરબી, ગોંડલ, જેતપુર, ધ્રોલ, કાલાવડ,બાબરા , ચિત્તલ, પાલીતાણા, વંથલી, સરધાર જેવા ગામોમાં દાઉદી વ્હોરા સમાજની મસ્જિદોમાં સાંજે મગરીબની નમાઝ બાદ એકમેકને મુબારકબાદી પાઠવવામાં આવશે. રવિવારે રાતે જ મઘમઘતી મીઠાઇ અને તીખી તમતમતી રસપ્રચુર વાનગીઓ આરોગવાના સામુહિ‌ક જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં આવા રસદાર આયોજન કરવામાં આવ્યા છે.

મીસરી કેલેન્ડર મુજબ હિ‌જરીસન ૧૪૩પ ની સાલનો સોમવાર પહેલો દિવસ છે અને ખાસ કરીને આ સમાજમાં રાતનું ખાસ મહત્વ હોવાથી રવિવારે સાંજે જ દાઉદી વ્હોરા સમાજ નૂતનવર્ષની ઉજવણી કરશે. આ પર્વ નવ દિવસ કરબલાના શહીદોની સ્મૃતિના સથવારે પણ ઉજવાય છે.

દરમિયાનમાં સમગ્ર મુસ્લિમ સમાજ જો ચાંદ દેખાશે તો ભાઇ બીજના રોજ નૂતન વર્ષ ઉજવશે અન્યથા ત્રીજના રોજ ઉજવણી કરશે. મુસ્લિમ સમાજમાં મોહરમનો માસ પ્રથમ મહિ‌નો ગણાય છે અને તેનો પ્રથમ દિવસ નવુ વર્ષ તરીકે ઉજવાય છે. આમ, આ વર્ષે હિ‌ન્દુ અને મુસ્લિમ બન્ને સમાજના પર્વો એક સાથે આવતા ઉજવણીનો ઉમંગ અને ઉત્સાહ બેવડાયો છે.