• Gujarati News
  • Dahej Ferry Service To Be Completed In May Ghogha Only 40 Percent Of Work Complete

મેમાં પૂરી થનાર ઘોઘા દહેજ ફેરી સર્વિ‌સનું માત્ર ૪૦ ટકા કામ પૂર્ણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોઘા દહેજ ફેરી સર્વિ‌સ પ્રોજેકટના કોન્ટ્રાકટર એસ્સારને જીએમબી દ્વારા અપાયેલી નોટિસ : ૬પ માંથી ૨૬ પિલર જ બન્યા

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડક માર્ગનું અંતર ઘટાડી નાંખવાના બહુહેતુલક્ષી પ્રોજેક્ટ ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સનું કામ ૨૦૧૧માં થયેલ કોન્ટ્રાકટ મુજબ નિયત સમય મર્યાદામાં પૂર્ણ નહીં થતા ગુજરાત મેરિટાઇમ ર્બોડ દ્વારા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર એસ્સાર પ્રોજેક્ટસને નોટિસ ફટકારવામાં આવી છે. અને નવી સમય મર્યાદા નક્કી કરવા અંગે જીએમબી અને એસ્સાર વચ્ચે મેરેથોન બેઠકો યોજાઇ રહી છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સનું ખાતમુર્હુત તા.૨પ જાન્યુ.૨૦૧૨ના રોજ કરી યોજના ૧પ માસમાં પૂર્ણ કરવાની ઘોષણા કરી હતી. મે-૨૦૧૩ સુધીમાં કામ પૂર્ણ કરવાના સ્પષ્ટ આદેશો અપાયા હોવા છતા આજદિન સુધી માત્ર ૪૦ ટકા કામગીરી જ પૂર્ણ થઇ શકી છે. ૪૭૦ મીટર દરિયામાં જેટી બનાવવાના કામમાં ૬પ પિલર બનાવવાના છે તે પૈકી અત્યાર સુધીમાં માત્ર ૨૬ પિલર જ બની શક્યા છે.

એસ્સાર પ્રોજેક્ટના મંથર ગતિએ ચાલતા કામ અંગે જીએમબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ માત્ર એકજ શિફટમાં કામગીરી થઇ રહી છે અને ડિસેમ્બર-૨૦૧૩ સુધીમાં પણ જો આ કામ પૂર્ણ કરવું હોય તો ત્રણેય શિફટમાં પુરતા કામદારોથી કામ થવું જોઇએ, જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામા આવી રહ્યું નથી. જ્યારે ખંભાતના અખાતનો દરિયાઇ કરન્ટ દુનિયાનો બીજા ક્રમાંકનો છે, તેથી દરિયામાં પાઇલની કામગીરીમાં એસ્સારને સતત વિક્ષેપ નડી રહ્યો છે, તથા સમયાંતરે જરૂર મુજબ લંડન સ્થિત કન્સલટન્ટ દ્વારા ડિઝાઇનમાં તબદીલી લાવવામાં આવી રહી હોવાથી પણ ફેરી સર્વિ‌સના પ્રોજેક્ટ કામગીરીને અસર થઇ રહી છે.

હવે પછી શું ?
ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સનું કામ ડિસેમ્બર-૨૦૧૩માં પૂર્ણ કરવા માટે એસ્સાર પ્રોજેક્ટ દ્વારા ત્રણ શિફ્ટમાં કામગીરી કરવામાં આવે તે દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી
રહ્યું છે.

એસ્સારને નોટિસ
ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સનું કામ પૂર્ણ કરવા માટે એસ્સાર પ્રોજેક્ટને ૧પ માસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ હાલ માત્ર ૪૦ ટકા કામ પૂર્ણ થતા એસ્સારને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહીં કરવા માટે નોટિસ અપાઇ છે.
બી.ડી.તલાવીયા, મુખ્ય ઇજનેર, જીએમબી

ફેરી સર્વિ‌સની ક્ષમતા
ઘોઘા અને દહેજ વચ્ચેની પ્રસ્તાવિત ફેરી સર્વિ‌સમાં પ૦૦ મુસાફરો, ૧પ૦ સુધી વાહનોનો સમાવેશ થઇ શકશે, અને ફેરી સર્વિ‌સ ૪૦ કિ.મી. પ્રતિ કલાકની જડપે ચાલી શકશે.

ટર્મિ‌નલ ટ્રાફિકની ક્ષમતા
ઘોઘા અને દહેજના ટર્મિ‌નલ ખાતે પ્રતિ દિન આશરે ૪ ફેરામાં ૬૦૦ વાહનોનો સમાવેશ થઇ શકશે, જેમાં ૬૦ ટકા ટ્રક, ૧૦ ટકા બસ, ૩૦ ટકા કાર માટે
ફાળવવામાં આવશે.

ફેરીનો સમયગાળો
ઘોઘા અને દહેજ વચ્ચેની ફેરી સર્વિ‌સની મુસાફરી ૯૦ મિનીટ, બંને તરફ વાહનો-મુસાફરો, ચડાવવા-ઉતારવાનો સમય ૧૦ મિનીટ, લોડિંગ-અનલોડિંગનો સમય ૪૦ મિનીટ.