• Gujarati News
  • Congress Wrote A Letter To The Governor's Request For Bhavnagar Develop

ભાવનગરને અરાજક્તામાંથી ઉગારો કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખી કરેલી માંગણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર-જિલ્લાની કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યપાલને એક પત્ર લખી ભાવનગર શહેર જિલ્લાની પ્રજાને અરાજકતામાંથી ઉગારવા અને ભયના વાતાવરણમાંથી મુક્તિ અપાવવા પગલા લેવાની માંગણી કરેલ છે. જ્યારે ભાજપના સંગઠન પાંખના આઈ.કે. જાડેજાએ પણ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે રાજ્ય સરકાર ત્વરીત પગલા લેશે તેવી હૈયાધારણ આપેલી છે.

દરમિયાનમાં આંગડિયા લૂંટ-હત્યા કેસમાં ૪૮ કલાક બાદ પણ પોલીસ તંત્રની તપાસમાં માત્ર ફિફા ખંડાય છે. કોઈ નક્કર પરિણામ જાણવા મળેલ નથી. ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અક્ષય ઓઝાએ રાજ્યપાલને ઉદ્દેશીને લખેલા પત્રમાં શહેર-જિલ્લામાં મારામારી, લૂંટ, ખૂન, બળાત્કાર જેવી ઘટનાનો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે તંત્રની ધાક અને સક્ષમ સ્ટાફના અભાવને કારણે પરિસ્થિતિ દિવસે દિવસે કાબુ બહાર જતી જાય છે. પોલીસ કહેવાતા મેળાવડાઓ અને ઉજવણીમાં વ્યસ્ત રહે છે ત્યારે સક્ષમ, બાહોશ, કાર્યકારી અધિકારીની નિમણૂંક કરવાની માંગણી કરેલ છે.

જ્યારે ભાજપના સંગઠન પ્રભારી આઈ.કે. જાડેજાને પત્રકારોએ કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે પૂછતા તેમણે આ અંગે સરકાર ટૂંક સમયમાં પગલા લેશે તેવી ખાત્રી આપેલ છે. બીજી બાજુ ઘટનાને બે દિવસ વિત્યા હોવા છતાં પોલીસ કોઈ ચોક્કસ તપાસમાં આગળ વધી શકી નથી. નાકાબંધી હોવા છતાં લૂંટારૂઓ ફરાર થઈ ગયા બાદ પોલીસ જેલમાં રહેલા ભૂપત આહિ‌ર અને તેના ફરાર સાથીઓ તરફ તપાસને કેન્દ્રીત કરી રહી છે. દરમિયાનમાં કાયદો-વ્યવસ્થાની આ પરિસ્થિતિ સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ ગૃહ રાજ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરાયેલ હોવાનું જાણવા મળેલ છે.