કાલે ભાવેણાના જન્મ દિનની ઉજવણી માટે થનગનાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તા.૧૩ મેને સોમવારે ભાવનગરનાં ૨૯૧માં જન્મદિવસની ઉજવણી સમગ્ર ભાવનગર શહેરમાં ઉજવણીનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગોહિ‌લવંશના રાજવી ભાવસિંહજી પહેલાએ ઇ.સ.૧૭૨૩ની અખાત્રીજે ભાવનગરની સ્થાપના કરેલી અને આ ભાવનગરના શહેરીજનોમાં પોતાના નગરના જન્મ દિનની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રજા સોમવારે અખાત્રીજના દિવસે આ ભાવ-સભર ભાવેણાના જન્મ દિનની ઉજવણી માટે થનગની રહી છે. ત્યારે છેલ્લા બે વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.

ભાવનગરના જન્મ દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તા.૧૩ મેની સોમવારે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ભાવનગરના જન્મ દિવસની યાદગાર ઉજવણી થશે. જેમાં સોમવારે રાત્રે શેઠ કન્સ્ટ્રકશન ગ્રુપના સહકારથી ઘોઘા ગેઇટ ચોકમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એ-વન અમરલાલ બેકર્સ રેડ સ્ક્વેર કેક શોપ દ્વારા ભાવેણાના કેક કાપવામાં આવશે.

આ ઉપરાંત જીતુભાઇ ફટાકડાવાળા નિમેષભાઇ તરફથી સોમવારે સાંજે ઘોઘાગેઇટ ચોકમાં આતશબાજી કરવામાં આવશે. તો વિશ્વ હિ‌ન્દુ પરિષદ સાથે રહી સાંજના સમયે ભીડભંજન મહાદેવ ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

લોક ડાયરામાં જાણીતા પાશ્ર્વગાયક અવિંદભાઇ બારોટ, અષાઢી ગાયક અનીલભાઇ વંકાણી તથા અન્ય કલાકારો તથા સાજીંદામાં રઘુ રમકડુ, લક્કી, રસીક રાઠોડ સંગત આપશે. ભાવેણાના ઉજ્જવળ ઇતિહાસ, ભાવેણાના રાજવી પ્રાત: સ્મરણીય કૃષ્ણકુમારસિંહજીની દિલેરી સહિ‌તની વાતોને પણ કલાકારો લોકભોગ્ય ભાષામાં રજૂ કરશે. ભાવનગરના ઇતિહાસમાં આ એક નોંધપાત્ર અને અનોખો ડાયરો હશે.

હવે આ વર્ષે ભાવનગરના ૨૯૧માં જન્મ દિવસ નિમિત્તે શહેરની મુખ્ય બજારોમાં વેપારીઓ દ્વારા રોશનીથી શણગારવાના આયોજન વેપારી એસો. દ્વારા થઇ રહ્યાં છે. આ ઉપરાંત જુદાજુદા વેપારીઓ, પેઢીઓ તેમના શો-રૂમ, દુકાનોને પણ શણગારશે. અખાત્રીજના પર્વે તમામ ભાવેણાવાસીઓ પોતાના ઘરને આસોપાલવના તોરણોથી શણગારશે. તો ઘરે-ઘરે રોશનીના શણગાર માટે પણ ઉમંગ જોવા મળી રહ્યો છે.