ભાવનગરના સિહોર-ગઢડામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર પંથકમાં ત્રીજા દિવસે વાઝડી સાથે વરસાદ : પાલિતાણામાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભાવનગર જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી કોઇને કોઇ સ્થળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે આખો દિવસ અસહ્ય ઉકળાટ રહ્યાં બાદ સાંજના સમયે ગઢડામાં ગાજવીજ સાથે અડધી કલાક વરસાદ ખાબકી જતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી વળી હતી. આ વરસાદની સાથોસાથ જ ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. તો સિહોર પંથકમાં સતત ત્રીજા દિવસે વાઝડી સાથે વરસાદ વરસ્યો હતો.

ગઢડા ખાતે સાંજના સુમારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ગઢડામાં સાંજના ૬-૩.થી ૭ વાગ્યાના અડધી કલાકના સમયગાળા દરમિયાન ગાજ-વીજ અને કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદ શરુ થતાની સાથે જ ગઢડામાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

સિહોર પંથકમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાઝડી સાથે હળવા ઝાપટા વરસવાનુ શરુ થયુ હતુ. જ્યારે તરશિંગડા વાડી વિસ્તારમાં ખેતરોમાંથી પાણી વહેતા થઇ ગયા એટલો વરસાદ વરસી ગયો હતો.

પાલિતાણા પંથકમાં આજે સતત બીજા દિવસે પણ સાંજના સમયે એકાએક પવન ફૂંકાવાનુ શરુ થયુ હતુ અને બાદમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસવાનો શરુ થયો હતો. થોડી વારમાં જ અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. પાલિતાણામાં ચાર છાંટા પડે કે તરત જ વીજ પુરવઠો ખોરવાઇ જાય છે જેથી નગરજનોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે. આજે પણ તળાવ, તળેટી રોડ સહિ‌તના વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો. તો પ૦ વારિયા, લાતી બજાર, ગારિયાધાર પુલ, મેઇન બજાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ચોકઅપ થઇ જતા પાણીનો ભરાવો થઇ ગયો હતો.