ભાવનગરમાં સિનિયર સિટિઝનની માટે એક્શન પ્લાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં અમદાવાદ અને આણંદ ખાતે સીનીયર સીટીઝનને મોતને ઘાટ ઉતારી લાખોની મત્તાની થયેલી લૂંટના હિ‌ચકારા બનાવને અનુલક્ષીને આવા બનાવો ભાવનગરમાં ન બને તે માટે પોલીસ અધિક્ષક દ્વારા અગમચેતીના ભાગરૂપે સ્પેશ્યલ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે.

ભાવનગર સહિ‌ત રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ચોરી અને લૂંટ માટે એકલા રહેતા વૃદ્ધ દંપતિઓ સરળતાથી સોફ્ટ ટાર્ગેટ બની રહ્યાં છે. અંદાજે ૨૮.પ૦ લાખની વસ્તી ધરાવતા ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ અંદાજે ૧૦ લાખ વડીલો વસી રહ્યાં છે. જે પૈકી કેટલાંક વડીલોના સંતાનો ધંધા વ્યવસાય અર્થે બહારગામ વસે છે. આવા એકવાયા વૃદ્ધ દંપતિઓની સુરક્ષા અને સલામતી માટે સ્પેશ્યલ એક્શન પ્લાન અમલી છે જે અંગે વિશેષ માહિ‌તી આપતા પોલીસ અધિક્ષક મનિન્દરસિંઘ પવારે જણાવ્યું હતું કે, શહેરમાં એકલા રહેતા વડીલોએ તેમના સંપૂર્ણ નામ, સરનામા, લેન્ડલાઇન અને મોબાઇલ ટેલીફોન નંબર, પોતાના પરિવારજનોની સંપૂર્ણ માહિ‌તીની સંબંધીત પોલીસ મથકમાં જાણ કરવી જોઇએ. તમામ પોલીસ મથકમાં વડીલ નાગરીકો માટેના સ્પેશ્યલ રજીસ્ટરમાં આ અંગે નોંધ કરાય છે.

જો વડીલો પરિવારજનો સાથે બહારગામ જાય તો પણ પોલીસને બંધ ઘર અંગે અચૂક જાણ કરવી જોઇએ. જેથી પોલીસ મથક દ્વારા તે અંગે સાવચેતીના પગલાં લઇ શકાય. દિવસે કે રાત્રીના સમયે અજાણ્યા માણસો દરવાજા ખટખટાવે ત્યારે તરત બારણા ન ખોલી તેની પાકી ઓળખ મેળવીને જ બારણા ખોલવા જોઇએ. તેમજ બારણા પાસે એલાર્મ સીસ્ટમ રાખવી જેથી અજુગતી ઘટના વેળા એલાર્મ વગાડવાથી પાડોશીઓ બચાવકાર્યમાં આવી શકે.

ત્રણ નવી હેલ્પલાઈનનો પ્રારંભ
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નાગરિકો સીધો પોલીસનો સંપર્ક સાધી શકે તે માટે હેલ્પલાઈન શરૂ કરાઈ છે. આ બારામાં ડીવાય.એસ.પી. વી.ડી. ખરાડીએ જણાવ્યું હતું કે, ભાવનગર પોલીસ તંત્ર દ્વારા મહિ‌લાઓ માટે હેલ્પ લાઈન નં. ૧૦૯૧, બાળકો માટે ૧૦૯૮ અને સિનીયર સિટીઝન માટે ૧૦૯૩ નંબરની હેલ્પલાઈન શરૂ કરાઈ છે. જેનો સંબંધીત નગરજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.