ભાવનગર: ભાવનગર શહેરમાં સતત બે દિવસ વરસાદ બાદ આજે મેઘવિરામ રહ્યો પણ જિલ્લામાં આજે પાલિતાણામાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો જ્યારે મહુવામાં સવા ઇંચ અને જેસરમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ઘોઘા, સિહોર, અને ઉમરાળામાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. હવે ધીમે ધીમે ગોહિલવાડ પંથકમાં ચોમાસુ જામી રહ્યું હોય તેવો માહોલ પ્રસરી રહ્યો છે.
ભાવનગર શહેરમાં આજે બે દિવસના અડધો અને પોણો ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ પાળ્યો હતો. જો કે વરસાદી વાદળો છવાયેલા રહેતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખાસ્સુ ઘટી ગયું છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 24 કલાકમાં 3.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 35 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જે ગઇકાલે 38.2 ડિગ્રી હતુ. જ્યારે રાત્રિના ઉષ્ણતામાનમાં વધારો થયો હતો. 24 કલાક અગાઉ શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન 24.8 ડિગ્રી થઇ ગયેલું તે વધીને 26.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 68 ટકા થયું જ્યારે પવનની સરેરાશ ઝડપ 14 કિલોમીટરની નોંધાઇ હતી.
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આજે ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદે વરસવાનું શરૂ કર્યું તું અને દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. મેહુલિયાની મહેર થતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી વળી હતી. મહુવામાં આજે સાંજે 6 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો અને જોતજોતામાં 30 મી.મી., સવા ઇંચ વરસાદ વરસી જતા રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા હતા. તો રાબેતા મુજબ વીજળી ગુલ થઇ ગઇ હતી. મહુવામાં કડાકા ભડાકા સાથે વરસાદથી ઠંડક પ્રસરી વળી હતી.
જેસરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ
જેસર તાલુકાના ગામોમાં આજે મેઘમહેર વરસી હતી. જૂનાપાદર, ચોક, થેવડીવદર, વીરપુર, અયાવેજ, સનાળા, રાજપરા સહિતના ગામોમાં સાંજના 6 વાગ્યા બાદ ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી હતી અને એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેસર તેમજ આસપાસના વિસ્તારોમાં 38 મી.મી. વરસાદ વરસીજતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. જ્યારે ઉમરાળામાં પણ હળવા ભારે ઝાપટા સાથે 6 મી.મી. વરસાદ વરસી ગયો તો સિહોરમાં 1 મી.મી., ઘોઘામાં 2 મી.મી. અને જેસરમાં પણ 2 મી.મી. વરસાદ ગયો હતો. આમ, આર્દ્રા નક્ષત્રના આરંભથી ગોહિલવાડ પંથકમાં ધીમી ગતિએ ચોમાસુ જામી રહ્યું છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, બોટાદમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ....