પાલિતાણામાં ટ્રાફીકથી નગરજનો ત્રાહિમામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિતાણા: પાલિતાણામાં ટ્રાફીક સમસ્યાથી પ્રજાજનો તોબા પોકારી ઉઠયા છે. ટ્રાફીક નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો થઇ રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર આડેધડ પાથરણા, લારીઓ, કેબીનો અને વાહન પાર્કીંગથી રાહદારીઓને રસ્તા ઉપર તેમજ ફુટપાથ ઉપર ચાલવુ મુશ્કેલ બનેલ છે. શહેરની ફુટપાથો પર વ્યાપક દબાણો જોવા મળે છે. શહેરમાં ટ્રાફીક પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવામાં તંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા નથી. ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના વિસ્તારમાં ટ્રાફીક સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ આવતો નથી.


ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના વિસ્તારમાં આડેધડ રીતે રેંકડી અડધો રસ્તો રોકીને હોય છે. મોટર સાયકલો તેમજ ફોરવ્હીલ વાહનો જાહેર રસ્તા ઉપર આડેધડ પાર્ક કરેલ જોવા મળે છે. ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના વિસ્તારમાં મંદિર, હવેલી, સ્કુલ, મસ્જીદ, બેંક આવેલી છે. આ વિસ્તાર ટ્રાફીકથી સતત ધમધમતો રહે છે. આ વિસ્તારને વનવે કરવાની જરૂર છે. પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં ટ્રાફીક નિયમોનુ નિયમન કરાવવામાં તંત્ર ઉણુ ઉતર્યુ હોવાની લોકો ફરીયાદ કરી રહ્યા છે. જવાબદારો આ અંગે યોગ્ય પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

 

ટ્રાફીક હલ કરવાની જવાબદારી ટ્રાફીક બ્રિગેડની?

 

પાલિતાણા શહેરમાં ટ્રાફીકને લગતી કામગીરીમાં કોઇ જગ્યાએ પોલીસ જોવા મળતી નથી. હાલમાં ટ્રાફીકને લગતી કામગીરી ટ્રાફીક બ્રિગેડ અને જીઆરડીની બહેનો દ્વારા થઇ રહી છે.

 

ટ્રાફીક સમસ્યા નિવારવા તમામ પગલા ભરાશે


-1પાલિતાણામાં ટ્રાફીક સમસ્યા નિવારવા અને રાહદારીઓને થતી હાલાકીના પ્રશ્ને ટ્રાફીક સંબંધીત કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ટ્રાફીકને અડચણરૂપ વાહનો, રેકડીઓ અને દબાણો હટાવવામાં આવશે. ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવાના કાર્યને અગ્રતા આપવામાં આવશે.- બી.એમ. લશ્કરી, પી.આઇ. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...