તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેરી સર્વિસની ફરી ચૂૂંટણી વખતે વાત : હાલ વળશે ફિંડલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ગુજરાતમાં વિકાસની ગુલબાંગો ફુંકવામાં આવી રહી છે, અને સર્વાંગી વિકાસથી તદ્દન વંચિત રાખવામાં આવેલા ભાવનગર જિલ્લામાં છેલ્લા 6 વર્ષથી ઝોલા ખાઇ રહેલા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા શાસક પક્ષ ઘાંઘો થયો છે, પરંતુ લિન્ક સ્પાન અને મરિન એન્જીનિયરિંગને લગતી કપરી કામગીરી બાકી હોવાથી વધુ એક વખત સપ્ટેમ્બર માસમાં પણ પ્રોજેક્ટ શરૂ થઇ શકે તેવી શક્યતાઓ નહીંવત્ છે.

લિન્ક સ્પાન ફિટ કરવા માટેની 5000 ટનની ક્ષમતાની ક્રેન મંગાવવામાં આવી છે. આ ક્રેન સોમવારે દહેજ પહોંચી ગઇ છે. દહેજ ખાતેના ટર્મિનલ અને પ્રોજેક્ટમાં નર્મદા નદીનો કાંપ જંગી જથ્થામાં ઢસડાઇને આવી રહ્યો હોવાથી લિન્ક સ્પાન ફિટ કરવાની કાર્યવાહીમાં ખલેલ પહોંચી રહી છે. લિન્ક સ્પાન હજુ હજીરા રાખવામાં આવ્યો છે. 

ઘોઘા ખાતે તા.13 થી 15 સપ્ટેમ્બર સુધીમાં કામગીરી થઇ શકે તેવા પાણી મળી શકે તેમ છે, પરંતુ 5000 ટનની ક્રેન દહેજ ખાતે મોકલી દેવામાં આવી છે, અને ત્યાંની કામગીરી હજુ બાકી છે. તેથી  વધુ 15 દિવસ સુધી ઘોઘા ખાતે લિન્ક સ્પાન ફિટ કરવાની કામગીરી થઇ શકે તેવા એંધાણ નથી.બીજી તરફ માર્શલિંગ યાર્ડના પરચુરણ કામ બાકી છે, જેટી, રોડની ક્રેશ બેરિયર્સ અને હેવી પેનલ વર્ક અંશત: બાકી છે. રો-રો શિપને વિદેશથી લાવવામાં, દસ્તાવેજીકરણ અને સરકારી પ્રક્રિયામાં 25 દિવસનો સમય લાગી શકે તેમ છે. જીએમબીના અધિકારીઓના મરણીયા પ્રયાસ છતા પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે છ વર્ષે પણ કામ પૂર્ણ થઇ શક્યુ નથી.
 
ટર્મિનલ ઓપરેટના ટેન્ડર બહાર પડ્યા

ઘોઘા અને દહેજ ખાતે ટર્મિનલ ઓપરેશન માટેના કોન્ટ્રાક્ટ આપવાનું ટેન્ડર જીએમબી દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે. 200 મુસાફરોની ક્ષમતા વાળુ શિપ ચલાવવાના, જેટી મેઇનટેનન્સ, ડ્રેજીંગના કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવનાર છે. હજુ ટર્મિનલ ઓપરેટરના કોન્ટ્રાક્ટનું ટેન્ડર તરતુ મુકાયુ છે તેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જરૂરીયાત મુજબના યાંત્રિક સાધનો, મેન પાવર સહિતની બાબતો પણ પૂર્ણ કરવાની રહેશે, જે સમય માંગી લે તેવું કામ છે.
 
GMBમાં મીટિંગોનો ધમધમાટ

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફેરી સર્વિસ શરૂ કરાવવા માટે કરવામાં આવી રહેલા રાજકીય દબાણ વચ્ચે ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓ દૈનિક ધોરણે મીટિંગોનો ધમધમાટ કરી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવવાનું હોવાથી પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર પર દબાણ લાવવામાં આવી રહ્યુ છે.
 
વાહનો ચડાવવા નિષ્ણાંત ડ્રાઇવરો જોઇએ

ફેરીના શિપમાં વાહનો ચડાવવા અને ઉતારવા માટે નિષ્ણાંત ડ્રાઇવરોની આવશ્યક્તા રહે છે. જેટી-લિન્ક સ્પાન પાર કરાયા બાદ તરતા પોન્ટૂન અને દરિયાઇ મોજાની થપાટો મુજબ વાહનનો વળાંક લેવા નિષ્ણાંત ડ્રાઇવરોની જરૂરીયાત પડે છે. ઘોઘા અને દહેજ બન્ને જગ્યાએ નિષ્ણાંત ડ્રાઇવરોની નિમણૂંક કરવાનું પણ કપરૂ કામ છે.
અન્ય સમાચારો પણ છે...