તળાજામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો, જનઆરોગ્ય માટે ખતરારૂપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકારાત્મક)
- માન્ય ડિગ્રી વગર બેરોકટોક તબિબોના લોકોના આરોગ્ય સાથે ચેડા
- ગેરકાયદે પ્રેકટીસ કરતા તબીબો જનઆરોગ્ય માટે ખતરારૂપ : તંત્રએ કાર્યવાહી કરવા ઉઠતી માંગ

તળાજા:તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ કોઇપણ જાતની માન્ય ડિગ્રી વિનાના ઉઘાડપગા ઉંટવૈદ્યો, સરાજાહેર બોર્ડ મારીને ડોકટરી વ્યવસાય કરતા હોવાની આમ રાવ ઉઠવા પામી છે. આવા કહેવાતા તબીબો ઇન્જેકશન લગાવવા, બાટલા ચડાવવા, તેમજ નુકસાનકારક ડ્ર્ગ્ઝની વ્યાખ્યામાં આવતી તમામ એલોપથી દવાઓ, ટીકડાઓ, અને ડ્ર્ગ્ઝનો કોઇપણ જાતની જવાબદારી વિના બેરોકટોક ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત કેટલાક બોગસ ડોકટરો દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે પણ ટ્રીટમેન્ટ કરે છે તેવી સાર્વત્રીક રાવ ઉઠવા પામી છે.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી આરોગ્ય સેવાની અપૂરતી સુવિધાને કારણે મોટા ભાગના ખાસ કરીને અંતરિયાળ ગામોમાં ગેરકાયદે પ્રેકટીસનુ પ્રમાણ વધુ જોવા મળે છે. ઇન્ડીયન મેડીકલ એકટ મુજબ રાજયમાં બોગસ તબિબી પ્રેકટીસ કરતા કોઇપણ ઇસમો સામે જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પોલીસ વડા, તેમજ ડ્રગ વિભાગના અધિકારીઓને વખતો વખત તપાસ કરી ચેકીંગ કરીને જરૂરી કાર્યવાહી કરવાની સુચના હોવા છતાં કોઇપણ કિસ્સામાં ફરીયાદ થઇ હોય તે સિવાય ગામડાઓમાં તપાસ કાર્યવાહી થતી નથી જેથી તળાજા તથા અનેક ગામડાઓમાં કથીત તબીબો સરેઆમ નિશ્ચિંત થઇને લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે.
સંબંધીત વિભાગોએ સતર્ક થઇને કોઇ ફરીયાદ ન હોય તો પણ જન આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરોને ખુલ્લા પાડી કાર્યવાહી કરવી જોઇએ તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

ગેરકાયદે મેડીકલ પ્રેકટીસ સામે કાનુની કાર્યવાહી
આરોગ્ય અને પરિવાર વિભાગના 22-5-2003 ના પરિપત્ર મુજબ માન્ય ડિગ્રી વગર ગેરકાયદે તબિબી વ્યવસાય કરતી વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની થાય છે.
ફરિયાદ મળે તો તુરંત કાર્યવાહી
ગેરકાયદે મેડીકલ પ્રેકટીસ કરતા ઇસમો સામે જો કોઇ ફરિયાદ જીલ્લા આરોગ્ય અધિકારીને કરવામાં આવે તો તપાસ કાર્યવાહી ચોકકસ થશે ઉપરાંત ગામ દીઠ અને તાલુકા દીઠ માહિતી એકત્રીત કરવાની તાલુકા હેલ્થ વિભાગને સૂચના આપવામાં આવે છે - ડો.એચ.એફ.પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી
અન્ય સમાચારો પણ છે...