ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસતા નથી. ચોમાસાના મુખ્ય ગણાતા અષાઢ માસના એક પછી એક દિવસ કોરાધોકાડ જઇ રહ્યાં છે. તો કોઇ કોઇ સ્થળે નામ પૂરતો વરસાદ છાંટા કે ઝાપટા વરસાવી જાય છે જે અષાઢમાં અપૂરતો વરસાદ જ કહેવાય. આજે સમગ્ર જિલ્લામાં એક માત્ર ભાવનગર શહેરમાં બપોરના સમયે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો બાકી માત્ર વાદળો જ છવાયેલા રહ્યાં હતા.
- 26 કિ.મી.ની ઝડપે તોફાની પવન ફુંકાયો
- ભર અષાઢે શ્રાવણી સરવડા સ્વરૂપે 3 મી.મી. વરસાદ
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતુ અને હમણાં બારે મેઘ ખાંગા થઇ ભાવનગર શહેરને અષાઢી ધારાએ પાણી પાણી કરી દેશે તેવો માહોલ જામ્યો હતો પણ છેલ્લા ત્રણ દિવસની જેમ આજે પણ નગરજનોની આ આશા નિરાશામાં ફેરવાઇ ગઇ હતી. આજે બપોર સુધીમાં બે ત્રણ હળવા ઝાપટા સ્વરૂપે શહેરમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો હતો. બાકીના સમયગાળામાં બફારો રહ્યો હતો. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું તો લઘુત્તમ ઉષ્ણતામાન 26.8 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ.
હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા અને પવનની સરેરાશ ઝડપ વધીને 26 કિલોમીટરની નોંધાઇ હતી. ખાસ કરીને સાંથી રાત સુધી આ તોફાની પવનને લીધે ગરમીમાં રાહત મળે છે પણ વાદળો વીખાય જાય છે. આજે એક માત્ર ભાવનગર શહેરમાં હળવા ઝાપટા વરસી ગયા હતા પણ જિલ્લામાં અન્યત્ર એક પણ તાલુકામાં વરસાદ વરસ્યો ન હતો.