ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે રાજકોટ ખાતે યોજાયેલા નર્મદા અવતરણના કાર્યક્રમમાં આગામી સમયમાં શેત્રુંજી, ખોડીયાર ડેમને પણ પાણીથી ભરવા માટે આયોજન હોવાની જાહેરાત કરવામાં આવી હતી.જેનાથી ભાવનગર, અમરેલી જિલ્લાને તેનો સીધો લાભ મળશે.
- PMના રાજકોટ ખાતેના કાર્યક્રમમાં જાહેરાત
- ભાવનગરને સૌની યોજનાથી સીધો લાભ આપવા આયોજન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ હતુ કે જે રીતે આજી ડેમમાં નર્મદાનુ પાણી ભરાતા રાજકોટવાસીઓને જે લાભ મળ્યો છે. તે જ રીતે સૌરાષ્ટ્રના અન્ય મોટા ડેમ શેત્રુંજી, ખોડીયારને ભરવામાં આવતા તમામ લોકોને ઘરે ઘરે પાણી પહોંચતુ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રના પાણીની સમસ્યાથી વર્ષોથી પીડાય છે.
ત્યારબાદ નરેન્દ્રભાઇ મોદીએ બોલતી વખતે આ વાતમાં સુર પુરતા જણાવ્યુ કે, શરૂઆતમાં મારા મુખ્યમંત્રીકાળ દરમિયાન મેં આ યોજના વિચારણા હેઠળ મુકી ત્યારે લોકો શંકા કુશંકાથી જોતા હતા અને નેવાના પાણી મોભે ચડાવવાનુ કહેતા હતા. પરંતુ આજે આજી ડેમ અને ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં નર્મદાનુ પાણી પહોંચશે એટલે સર્વત્ર હરિયાળી છવાશે.